પશ્ચિમ રેલવેએ અમદાવાદ, અંધેરી સહિત 23 સ્ટેશનો ખાતે ઈ-કેટરિંગ સેવા શરૂ કરી

મુંબઈ – પશ્ચિમ રેલવેએ તેના નેટવર્ક પરના 23 મોટા સ્ટેશનો ખાતે ઈ-કેટરિંગ સેવા આજથી શરૂ કરી છે. આ સેવાથી પ્રવાસીઓ એમની સફર દરમિયાન એમની પસંદગીની રેસ્ટોરન્ટ્સ અને ફૂડ ચેઈન્સમાંથી એમનું મનપસંદ ભોજન ઓર્ડર કરીને મગાવી શકશે.

પશ્ચિમ રેલવેના એક અધિકારીએ કહ્યું છે કે અમારા પ્રવાસીઓ હવે 23 મોટા સ્ટેશનો ખાતે IRCTCની ઈ-કેટરિંગ સેવાનો લાભ લઈ શકશે. મુંબઈ સેન્ટ્રલ, બાન્દ્રા ટર્મિનસ, અંધેરી, વસઈ રોડ, અમદાવાદ, મણીનગર, મહેસાણા, આણંદ, ભરૂચ, વડોદરા, રાજકોટ, દ્વારકા, વાપી, સુરત, ગાંધીધામ, ઈન્દોર, રતલામ, ઉજ્જૈન, નિમચ, નાગદા, નાંદુરબાર સ્ટેશનો ખાતેના વેન્ડર્સ પ્રવાસીઓને એમણે ઓર્ડર કરેલી ખાદ્યચીજો ડિલીવર કરી શકશે.

ડોમિનોઝ પિઝ્ઝા, ફાસોસ, હેવમોર, હલ્દીરામ, દિલ્હી દરબાર, મેક્ડોનાલ્ડ્સ, એમએફસી વગેરે જેવી જાણીતી રેસ્ટોરન્ટ્સ અને ફૂડ ચેઈન્સ પશ્ચિમ રેલવેના ઈ-કેટરિંગ સહયોગીઓ છે. આ રેસ્ટોરન્ટ્સ પ્રવાસીઓને વેરાયટી સાથે ફૂડ ઓપ્શન્સ આપે છે.

ભારતીય રેલવેની પેટાકંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ 2015માં ઈ-કેટરિંગ સેવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ એ વધુ ને વધુ ટ્રેનોમાં આ સેવાને લંબાવતી રહી છે.

ચાર આસાન રીતે પ્રવાસી એનું મનપસંદ ભોજન સીધું ટ્રેનમાં જ ઓર્ડર કરીને મગાવી શકશે અને તે એની સીટ પર ડિલિવર પણ કરવામાં આવશે.

આ માટે https://www.ecatering.irctc.co.in વેબસાઈટ પર જવાનું, કાયદેસરનો PNR નંબર એન્ટર કરવાનો અને પછી વિવિધ વેરાયટીઓમાંથી મનપસંદ ભોજન પસંદ કરીને ઓર્ડર આપવો.

એન્ડ્રોઈડ અને iOS એપમાં ફૂડ ઓન ટ્રેક: ફોન પરથી ઓર્ડર આપો અને તમારી સીટ પર જ જમવાનું મેળવો.
ફોન નંબર 1323 ઉપર પણ કોલ કરીને તમે ફૂડ મગાવી શકો છો.

એસએમએસથી પણ મગાવોઃ એ માટા ટાઈપ કરો MEAL <space> PNR અને 139 નંબર પર એસએમએસ મોકલી દો.