મુંબઈમાં મહિલાની છેડતી કરનાર ડ્રાઈવરને ઓલા કંપનીએ બ્લેકલિસ્ટ કર્યો

મુંબઈ – પોતાના એક ડ્રાઈવરે એક મહિલા પેસેન્જરની છેડતી કરી હોવાનું જાણ્યા બાદ કેબ એગ્રીગેટર ઓલાએ ત્વરિત પગલું ભરીને એ ડ્રાઈવરને આરોપી જાહેર કરી એને બ્લેકલિસ્ટ કરી દીધો છે. આ ડ્રાઈવરનું નામ સુરેશ કુમાર યાદવ છે અને એની તસવીર પણ જાહેર કરવામાં આવી છે.

ડ્રાઈવર સુરેશ કુમાર યાદવની પવઈ વિસ્તારની પોલીસે ધરપકડ કરી છે.

24 વર્ષીય મહિલાએ નરીમાન પોઈન્ટથી પવઈ માટે ઓલા કેબ બુક કરાવી હતી. સફર દરમિયાન 36 વર્ષીય યાદવે એની છેડતી કરી હતી.

પવઈ પોલીસે ગયા સોમવારે રાતે જ એપ-બેઝ્ડ કેબ એગ્રીગેટર ઓલાના ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

આરોપી સુરેશ કુમાર યાદવ

મિડ-ડે અખબારના અહેવાલ મુજબ, આરોપીને સુરેશ કુમાર યાદવ તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. ફરિયાદી મહિલા એક ખાનગી બેન્કમાં નોકરી કરે છે. એણે ફરિયાદમાં જણાવ્યું છે કે સફર દરમિયાન એ ટેક્સીમાં એની તબિયત બગડી હતી. એની સ્થિતિ જોઈને ડ્રાઈવર યાદવે એને આગળની સીટ પર બેસી જવા કહ્યું હતું, જેથી તે સીટને સ્ટ્રેચ કરી શકે અને આરામ મેળવી શકે.

મહિલાએ ફરિયાદમાં કહ્યું છે કે સીટ સ્ટ્રેચ કરતી વખતે યાદવે એને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. જેને કારણે તે અસ્વસ્થ થઈ ગઈ હતી. એણે તરત જ પોતાના ફોન પરથી એના મિત્રને બનાવ વિશેની જાણ કરી હતી. મહિલાએ એના મિત્રને પોતાનું લોકેશન શેર પણ કર્યું હતું. ત્યારબાદ ટેક્સી પવઈ પહોંચી અને ફરિયાદી મહિલાએ એના મિત્રને જોયો કે તરત જ કેબમાંથી ઉતરીને ભાગી હતી અને બંને જણે પવઈ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને કેબ ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ નોંધાઈ કે તરત જ પવઈ પોલીસે યાદવનો સંપર્ક કર્યો હતો અને એને તાબડતોબ પોલીસ સ્ટેશનમાં હાજર થવા કહ્યું હતું. યાદવ પોલીસ સ્ટેશને પહોંચ્યો કે તરત જ ઈન્ડિયન પીનલ કોડની સંબંધિત કલમો હેઠળ એની ધરપકડ કરી લેવાઈ હતી.

પોલીસ હવે ચેક કરી રહી છે કે યાદવનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ છે કે નહીં.

મંગળવારે પોલીસે યાદવને કોર્ટમાં હાજર કર્યો હતો અને કોર્ટે એને પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ પર મોકલી આપ્યો છે.

દરમિયાન, કેબ એગ્રીગેટર ઓલાએ યાદવને બ્લેકલિસ્ટ કરી દીધો છે. એના પ્રવક્તાએ કહ્યું છે કે આ કમનસીબ બનાવ ટેક્સી સફર દરમિયાન બન્યો એ બદલ અમે અફસોસ વ્યક્ત કરીએ છીએ. અમે આ પ્રકારના બનાવોને જરાય ચલાવી લેતા નથી અને અમે આ ડ્રાઈવરને તત્કાળ અમારા પ્લેટફોર્મ પરથી બ્લેકલિસ્ટ કરી દીધો છે. ગ્રાહકોની સલામતી અમારી પ્રાથમિકતા છે. અમે આ કેસમાં વધુ તપાસ માટે પોલીસ સત્તાવાળાઓને સંપૂર્ણ સહકાર આપીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]