દંતકથાસમા યોગગુરુ, મુંબઈની પ્રખ્યાત ‘યોગા ઈન્સ્ટિટ્યૂટ’ના સ્થાપક ડો. જયદેવ યોગેન્દ્રનું અવસાન

0
1034

મુંબઈ – ભારત અને વિદેશમાં યોગ ગુરુ તરીકે જાણીતા અને અસંખ્ય લોકોને યોગવિદ્યાની પ્રેરણા આપનાર ડો. જયદેવ યોગેન્દ્રનું આજે અહીં દેહાવસાન થયું છે. તેઓ ૯૦ વર્ષના હતા અને મુંબઈના સાંતાક્રૂઝ (પૂર્વ)માં આવેલી ‘ઘ યોગા ઈન્સ્ટિટ્યૂટ’ સંસ્થાના સ્થાપક, પ્રમુખ હતા.

યોગા ઈન્સ્ટિટ્યૂટ સંસ્થા 100 વર્ષ જૂની છે.

ડો. જયદેવ યોગેન્દ્ર માનતા કે યોગ એક જીવનશૈલી છે. એમની સંસ્થા લોકોને દૈનિક જીવનમાં યોગિક આદર્શોને કેવી રીતે ઉતારવા એની વ્યવહારુ સમજ અને તાલીમ આપે છે. આ સંસ્થાની સરળ ફિલસુફી એ રહી છે કે, ‘યોગવિદ્યા વડે બેહતર જીવન’. આ સંસ્થાનો પ્રયાસ લોકોની શારીરિક બીમારીનું કારણ દૂર કરી, એમની માનસિક ક્ષમતા, એકાગ્રતા, સ્થિરતા વધારવાની તાલીમ આપવાનો છે. લોકોને શક્તિ પ્રદાન કરી, એમનો આધ્યાત્મિક વિકાસ કરવામાં મદદરૂપ થવાનો સંસ્થાનો ઉદ્દેશ્ય રહેલો છે.

પૌત્રના જન્મના સમાચાર સાંભળીને તરત ડો. જયદેવે અંતિમ શ્વાસ લીધા

ડો. જયદેવ યોગેન્દ્રના પુત્ર અને ‘ધ યોગા ઈન્સ્ટિટ્યૂટ’ના આસિસ્ટન્ટ ડીરેક્ટર રીશી જયદેવ યોગેન્દ્ર ‘ચિત્રલેખા’ સાથે વાત કરતાં કહે, ‘ગઈ કાલે રાતે ૧૨.૩૦ કલાકે ડોક્ટરે સાહેબે દેહ છોડી દીધો હતો. આમ પણ વરસોથી યોગીની જેમ જીવતા ડો. જયદેવ પ્રમાણમાં ઓછો ખોરાક-પાણી લેતા હતા. છેલ્લા દસેક દિવસથી એ પ્રમાણ ઘટાડીને નહિવત્ ખોરાક લેતા હતા. ધીમે ધીમે ખોરાક-પાણી ઓછા કરતા જઈને પોતાની રીતે જ જાણે સમાધિ લગાવી દીધી હતી.’

રીશી જયદેવ વધુમાં કહે છે, ‘આ પણ એક યોગાનુયોગ હતો. મારી પત્નીએ હોસ્પિટલમાં મધરાતે પુત્રને જન્મ આપ્યો. આ સમાચાર સંસ્થાના ડીરેક્ટર અને મારા માતા હંસાબેને ડોક્ટર સાહેબને કહ્યા ત્યારે હસીને આનંદ વ્યક્ત કર્યો અને બે મિનિટ પછી અંતિમ શ્વાસ લીધા હતા.’

દેશની સૌથી જૂની યોગ ઈન્સ્ટિટ્યૂટે ગયા ડિસેમ્બરમાં સ્થાપનાના ૯૯ વર્ષ પૂરા કર્યા હતા ત્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ યોગ ઈન્સ્ટિટ્યૂટ, સાંતાક્રૂઝ ખાતે પધાર્યા હતા.

સાંતાક્રૂઝની યોગ ઈન્સ્ટિટ્યૂટ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. સંસ્થાને આ ઊંચાઈએ લઈ જવામાં ડો. જયદેવે મોટો ભાગ ભજવ્યો હતો.

આજે સવારે ૯ વાગ્યે વિલે પારલેસ્થિત મુક્તિધામ સ્મશાનભૂમિમાં પરિવારજનો તથા યોગ ઈન્સ્ટિટ્યૂટનાં કાર્યકરો, યોગના ચાહકો અને વિવિધ ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓની હાજરીમાં સદ્દગતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અહેવાલઃ દેવાંશુ દેસાઈ (‘ચિત્રલેખા ‘વરિષ્ઠ પત્રકાર)