મહારાષ્ટ્રઃ નાટકમાં નવો વળાંક, ફડણવીસનું રાજીનામું, હવે શું?

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયાને આશરે બે સપ્તાહનો સમય પસાર થઈ ગયો છે. આ દરમ્યાન શિવસેના-ભાજપ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણમાં હવે નવો વળાંક આવ્યો છે. આજે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. દેવેન્દ્ર ફડણવીસ સાંજે ચાર વાગ્યે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા. ફડણવીસે કહ્યું કે રાજ્યપાલે મારું રાજીનામું સ્વિકારી લીધું છે. પાંચ વર્ષ માટે મહારાષ્ટ્રની સેવા કરવાની તક આપી તે માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડાનો હું આભારી છું. તેમણે એમ પણ કહ્યું કે અમારા મિત્ર શિવસેનાનો પણ હું આભારી છું.

ફડણવીસે કહ્યું કે, રાજ્યપાલે તેમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે રહેવા કહ્યું છે. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે, જ્યારે પણ મહારાષ્ટ્રમાં સરકાર બનશે તે ભાજપના નેતૃત્વમાં જ બનશે. ખરીદ-પરતના આરોપ પર ફડણવીસે કહ્યું કે, જે કોઈ પણ આ પ્રકારના આરોપ લગાવી રહ્યું છે તે આરોપો સાબિત કરીને બતાવે.

રાજીનામું આપ્યા બાદ શિવસેનાના 50-50ના ફોર્મ્યુલાને ખોટો ગણાવતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આ મામલે હજુ કોઈ નિર્ણય નથી લેવાયો. વધુમાં કહ્યું કે, ચૂંટણી અમારી સાથે જીતીને આવેલી શિવસેના વાતચીત એનસીપી સાથે કરતી રહી. ફડણવીસે કહ્યું- ભાજપ-શિવસેના ગઠબંધનને મહારાષ્ટ્રની પ્રજાએ બહુમતી આપી. 160 કરતાં વધારે બેઠક ગઠબંધનને મળી. ભાજપને 105 બેઠક મળી. અમારો સ્ટ્રાઈક રેટ 70 ટકા રહ્યો છે. કમનસીબે અમને બેઠકો ઓછી મળી છે.

ફડણવીશે કહ્યું કે, શિવસેનાના પ્રમુખે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે અમે સરકાર બનાવવા તૈયાર હતા. બન્ને પક્ષના ઉમેદવાર ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૂંટાઈને આવ્યા છે. તેમ છતાં બીજા પક્ષની તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે તમામ વિકલ્પ ખુલ્લા છે. આમ શાં માટે કહેવામાં આવ્યું, તે સમજવામાં ન આવ્યું.

તેમણે કહ્યું- અઢી વર્ષ (મુખ્યમંત્રી પદ) અંગે હું સ્પષ્ટ કહેવા માગુ છું કે મારી સમક્ષ ક્યારેય અઢી વર્ષના મુદ્દે ચર્ચા થઈ નથી. મારી સમક્ષ એવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉદ્ધવ ઠાકરે અને અમારા પક્ષના અધ્યક્ષ વચ્ચે જો આવી કોઈ ચર્ચા થઈ હોય તો તે અંગે મારી સમક્ષ કોઈ જ જાણકારી નથી.

દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. ઠાકરેએ કહ્યું કે અમારે શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે ફડણવીસ અને બીજેપી અધ્યક્ષ શાહના આશીર્વાદની જરૂર નથી. મને એ વાતનું દુઃખ છે કે શિવસેના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા. બાલા સાહેબને વચન આપ્યું છે, શિવસેનાનો મુખ્યમંત્રી બનાવીશ. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેવન્દ્ર ફડણવીસ પાસેથી આવા નિવેદનની અપેક્ષા ન હતી. શિવસેના જુઠ્ઠું બોલનારની પાર્ટી નથી. મેં ક્યારેય વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો નથી. હું બીજેપીવાળો નથી. જુઠ્ઠું બોલતો નથી. હું જુઠ્ઠું બોલનારાઓ સાથે વાત કરતો નથી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પદો અને મુખ્યમંત્રીના પદો માટે 50-50 પર સહમતિ બની હતી. મારે તેની પર સ્પષ્ટતા આપવાની જરૂરિયાત નથી. શિવસેનાના સીએમ થવાના સપનાને પુરા કરવા માટે મારે કોઈની મદદની જરૂર નથી. અમારું કામ બીજેપી જેવું નથી. અમિત શાહએ કહ્યું હતું કે જેની વધુ સીટ તેના સીએમ. મેં કહ્યું કે હું નહિ માનુ. દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહનો હવાલો આપીને 2.5 વર્ષના સીએમની વાત થવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો, લોકોને ખબર છે કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે.

રાજ્યમાં નવી સરકારની રચનાને લઈ સતત વિલંબ થઈ રહ્યો છે, બીજીબાજુ શિવસેના પણ મુખ્યમંત્રી પદને લઈ કોઈ જ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં દેખાતું નથી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે તો તે જનાદેશનું અપમાન હશે. મહારાષ્ટ્ર ઝુકતુ નથી, અને દિલ્હી સમક્ષ તે ઝુકશે પણ નહીં. ભાજપ સાથે કોઈ જ રીતે વાતચીત થઈ નથી. અમે આજે રાજ્યપાલને મળશું નહીં, અમે રાજ્યપાલના નિર્ણયની પ્રતિક્ષા કરશું. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે ભાજપ તેમનો સંપર્ક ત્યારે જ કરે કે જ્યારે તેઓ મુખ્યમંત્રી પદ શિવસેનાને આપવા માટે તૈયાર હોય. આ તમામ ઘટના વચ્ચે હવે સૌની નજર રાજ્યપાલ તરફ મંડાઈ છે.

તો આ તરફ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનથી બચવા માટે ભાજપે અંતિમ ઘડીના પ્રયત્નો શરુ કરી દીધા છે. સંકટમોચક માનવામાં આવતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મુંબઈ પહોંચી ગયા છે. આ તરફ શિવસેના અને કોંગ્રેસ બેઠકોને લઈને મંથન કરી રહી છે. ધારસભ્યોને પક્ષપલ્ટો કરતા રોકવા માટે શિવસેનાએ એક દિવસ પહેલા જ ગુરુવારે તેમના ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરી દીધા હતાં. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, કોંગ્રેસ પાર્ટી આજે જ તમામ 44 ધારાસભ્યોને જયપુર મોકલી રહી છે.

સરકારની રચના માટે સમય પૂર્ણ થતો જોઈને શિવસેના નેતા સંજય રાઉત ફરી એક વખત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અધ્યક્ષ શરદ પવારને મળવા પહોંચ્યા છે. મહત્વનું છે કે, અગાઉ શરદ પવાર સ્પષ્ટ કહી ચૂક્યા છે કે, એનસીપી અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં જ રહેશે તે શિવસેનાને સમર્થન નહીં આપે.