મહારાષ્ટ્ર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ફડણવીસની પસંદગી

મુંબઈ – મહારાષ્ટ્રમાં ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે આજે ફરી વાર દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. ફડણવીસ ગત્ ભાજપ-શિવસેના સરકારમાં મુખ્ય પ્રધાન હતા.

આજે ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક મળી હતી અને તેમાં ફડણવીસને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવાનો મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

એમના પ્રસ્તાવને ગત્ સરકારના નાણાં પ્રધાન સુધીર મુનગંટીવાર, મંગલ પ્રભાત લોઢા સહિત બીજા 11 વિધાનસભ્યોએ ટેકો આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં વિજેતા નિવડેલી પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા એટલે મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર.

આજની બેઠક ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમરની હાજરીમાં યોજાઈ હતી.

ફડણવીસે પોતાની નિયુક્તિ વિધાનસભા પક્ષના નેતા તરીકે કરાયા બાદ પોતાના સંબોધનમાં પક્ષના નવા વિધાનસભ્યોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આપણા રાજ્યમાં ફરી મહાયુતિની જ સરકાર રચાશે. કોઈ પણ અફવા પર વિશ્વાસ કરશો નહીં. ફરીથી ઉત્તમ સરકાર જ સ્થપાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ દેશમાં તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં સતત બે વખત ભાજપ મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. 2014 બાદ હવે 2019માં પણ મને જ જવાબદારી આપવામાં આવી છે.

ફડણવીસે એમ પણ કહ્યું કે ગયા પાંચ વર્ષમાં જે કામ કર્યું એના કરતાં પણ આગામી પાંચ વર્ષમાં વધારે સારું કામ કરીશું. મહારાષ્ટ્રને દુકાળમુક્ત કરવાનું છે.

મહારાષ્ટ્રમાં હાલમાં જ યોજાઈ ગયેલી 288-બેઠકોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી વધારે 105 સીટ જીત્યો છે, પણ સ્વબળે સરકાર રચવા માટે એને 40 સીટ ઓછી પડે છે. એના ભાગીદાર શિવસેના પક્ષને 56 સીટ મળી છે. આમ, બંનેને સાથે મળીને બહુમતી જરૂર મળી છે, પરંતુ મુખ્ય પ્રધાન પદના મામલે બંને વચ્ચે ઝઘડો ઊભો થયો છે. શિવસેનાની માગણી છે કે ભાજપ મુખ્ય પ્રધાન પદની મુદતની તેની સાથે સમાન ધોરણે વહેંચણી કરે. ભાજપને તે મંજૂર નથી.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થઈ ગયા બાદ 24મીએ પરિણામ પણ આવી ગયું છે. ભાજપ પહેલા સ્થાને છે, શિવસેના બીજા સ્થાને, રાષ્ટ્રવાદી કોંગ્રેસ 54 સીટ સાથે ત્રીજા નંબરે છે. કોંગ્રેસને ફાળે 42 સીટ આવી છે.