મરાઠા સમાજની ધમકીને પગલે ફડણવીસ પંઢરપૂર મંદિરમાં પૂજા કરવા નહીં જાય

મુંબઈ – મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ પંઢરપૂરમાં સોમવાર, 23 જુલાઈએ અષાઢી એકાદશી નિમિત્તે યોજાનાર વાર્ષિક પૂજા ઉત્સવમાં ભાગ ન લેવાનો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નિર્ણય લીધો છે. આ જાણકારી રાજ્યના જળસંસાધન ખાતાના પ્રધાન ગિરીશ મહાજને આજે સોલાપુરમાં આપી હતી.

મહાજને કહ્યું કે, મરાઠા આંદોલનકારીઓની તીવ્ર લાગણીને ધ્યાનમાં રાખીને ફડણવીસે પૂજામાં હાજર ન રહેવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પંઢરપૂરના વિઠ્ઠલ મંદિરમાં મુખ્ય પ્રધાનના હસ્તે શાસકીય પૂજા કરવામાં આવતી હોય છે. ફડણવીસે ગયા વર્ષે એમના પત્ની સાથે મંદિરમાં જઈને પૂજા કરી હતી, પરંતુ આ વખતે ફડણવીસ પૂજા કરે એની સામે મરાઠા ક્રાંતિ મોરચાએ વિરોધ કર્યો છે.

ફડણવીસે કહ્યું છે કે આંદોલનકારીઓની લાગણીને ધ્યાનમાં લઈને પોતે અષાઢી પૂજા માટે પંઢરપૂર મંદિરમાં નહીં જાય. એમણે સાથોસાથ એમ પણ કહ્યું છે કે મરાઠા સમાજને હું અનામત આપી દઉં એ ચાલે નહીં. મરાઠા સમાજને અનામત માત્ર અદાલત તરફથી જ મળી શકશે. કેટલાક સંગઠનો અયોગ્ય રીત અપનાવે છે.

ફડણવીસે કહ્યું છે કે પોલીસે કેટલાક ફોન પરની વાતચીતને આંતર્યા બાદ જાણવા મળ્યું છે કે કેટલાક સંગઠનો પંઢરપૂરમાં એકત્ર થનાર ભક્તોની સલામતીને જોખમમાં મૂકવાના પ્રયાસો કરી રહ્યા છે. પોતાની હાજરીથી પંઢરપૂરમાં 10 લાખ ભક્તો-શ્રદ્ધાળુઓનો જીવ જોખમમાં આવી પડે એવી ગુપ્તચર સંસ્થાઓ તરફથી માહિતી મળતાં ફડણવીસે વિઠ્ઠલ મંદિરમાં પૂજા માટે ન જવાનો નિર્ણય લીધો છે.

મરાઠા ક્રાંતિ મોરચાના આગેવાનોએ ગઈ 17 જુલાઈએ પુણેમાં યોજેલી બેઠકમાં નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી મરાઠા અનામત મામલે નિર્ણય લેવાય નહીં ત્યાં સુધી રાજ્યના મુખ્ય પ્રધાનને પંઢરપુરમાં અષાઢી એકાદશીની પૂજા કરવા દેવામાં આવશે નહીં. આગેવાનોએ એવો આરોપ મૂક્યો હતો કે અનામત માટે લાખો મરાઠાઓ રસ્તા પર આવ્યા હોવા છતાં રાજ્યસરકાર આ મુદ્દે ગંભીર નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]