મુંબઈમાં દાઉદની પ્રોપર્ટીઓનું લિલામ કરાયું; સૈફી ટ્રસ્ટે ૩ પ્રોપર્ટી ખરીદી

મુંબઈ – ભારત સરકારે જેને ભાગેડૂ જાહેર કર્યો છે એ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની દક્ષિણ મુંબઈમાંની પ્રોપર્ટીઓનું આજે લિલામ કરવામાં આવ્યું હતું.

દાઉદ ૧૯૯૦ના દાયકાના પ્રારંભમાં ભારતમાંથી ભાગી ગયા બાદ ભારત સરકારે એની પ્રોપર્ટીઓને SAFEMA કાયદાની જોગવાઈઓ હેઠળ જપ્ત કરી હતી.

આજે યોજવામાં આવેલા હરાજી કાર્યક્રમમાં દાઉદની ત્રણ પ્રોપર્ટી સૈફી બુરહાની ટ્રસ્ટે સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદી લીધી છે.

SAFEMA એટલે સ્મગલિંગ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યૂલેટર્સ (ફોર્ફીચર ઓફ પ્રોપર્ટી) એક્ટ.

એક અધિકારીએ કહ્યું કે ચર્ચગેટ સ્થિત ઈન્ડિયન મર્ચન્ટ ચેંબરના કાર્યાલયમાં યોજવામાં આવેલા લિલામમાં સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટે રૂ. ૧૧ કરોડના ખર્ચે દાઉદની ત્રણ પ્રોપર્ટી ખરીદી છે.

આ ત્રણ પ્રોપર્ટી છે – રોનક અફરોઝ રેસ્ટોરન્ટ (અથવા દિલ્લી ઝાઈકા), ડામરવાલા બિલ્ડિંગના ફ્લેટ્સ અને શબનમ ગેસ્ટ હાઉસ. રોનક અફરોઝ રેસ્ટોરન્ટ રૂ. ૪.૫૩ કરોડમાં, ડામરવાલા બિલ્ડિંગના છ ફ્લેટ રૂ. ૩.૫૩ કરોડમાં અને શબનમ ગેસ્ટ હાઉસ પ્રોપર્ટી રૂ. ૩.૫૨ કરોડમાં ખરીદવામાં આવી છે.

સૈફી સંસ્થાના પ્રવક્તાએ કહ્યું કે, આ ત્રણેય અમારા પ્રોપર્ટી ભીંડી બજાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આવે છે. આ બિલ્ડિંગો જર્જરિત અવસ્થામાં છે અને માનવ વસવાટ માટે જોખમી છે. તેથી આ મકાનોમાં રહેતા પરિવારોની સલામતીને ખાતર અને રીડેવલપમેન્ટનું કામકાજ હાથ ધરવા માટે અમે આ પ્રોપર્ટી ખરીદવા હરાજીમાં ઝુકાવ્યું હતું અને ત્રણેય પ્રોપર્ટી હાંસલ કરી લીધી છે.

સત્તાવાળાઓએ દાઉદની પ્રોપર્ટીઓનું તબક્કાવાર લિલામ કરવાનું નક્કી કર્યું હતું. અગાઉની હરાજીમાં દાઉદના ડરને કારણે કોઈ ખરીદનાર આગળ આવ્યું નહોતું.

૨૦૧૫માં યોજાયેલા એક લિલામમાં હિન્દુવાદી નેતા સ્વામી ચક્રપાણિએ રૂ. ૩૨ હજારમાં દાઉદની લીલા રંગની હુન્ડાઈ એક્સેન્ટ કાર ખરીદી હતી. ચક્રપાણિએ રોનક અફરોઝ રેસ્ટોરન્ટ ખરીદવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેઓ એ રેસ્ટોરન્ટની જગ્યાએ વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જાહેર શૌચાલય બંધાવવા માગતા હતા.

આ ટ્રસ્ટની સ્થાપના ૨૦૦૯માં દાઉદી વહોરા કોમના દિવંગત ધર્મગુરુ ડો. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીને કરી હતી. ચર્ની રોડ (વેસ્ટ)માં સ્ટેશનની સામે આવેલી વિશાળ સૈફી હોસ્પિટલ સૈફી સંસ્થાની જ છે.

આજે સવારે યોજાયેલી હરાજીમાં એક ડઝનથી વધુ લોકોએ બિડ કર્યું હતું. હરાજી વખતે સ્વામી ચક્રપાણિ અને સુપ્રીમ કોર્ટના એક વકીલ સહિત અનેક લોકો હાજર હતા.

હરાજી વખતે ઈન્ડિયન મર્ચન્ટ ચેંબર ઈમારતમાં તેમજ બહાર સુરક્ષાનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.