લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથીઃ મહારાષ્ટ્ર-આરોગ્યપ્રધાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી રહ્યા હોવાથી રાજ્યભરમાં લોકડાઉન લાદવું કે નહીં વિશે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ટોચના વિભાગીય અધિકારીઓ વચ્ચે તાકીદની બેઠકો યોજાઈ રહી છે. ટાસ્ક ફોર્સ અને ઠાકરે વચ્ચે આજની વિડિયો કોન્ફરન્સ બેઠકમાં હાજર ડોક્ટરોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે લોકડાઉન લાગુ કરવું જ જોઈએ. કોરોનાની સાંકળ તોડવા માટે લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ જાણકારી આજે સાંજે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પત્રકારોને આપી હતી.

હવે મુખ્ય પ્રધાન ઠાકરે આવતીકાલે સવારે 11 વાગ્યે આવી એક વધુ બેઠક યોજશે અને ત્યારબાદ બુધવારે પ્રધાનમંડળની બેઠક બોલાવવામાં આવશે. તેમાં લોકડાઉન મુખ્ય વિષય હશે અને ત્યારબાદ ઠાકરે આખરી નિર્ણય લેશે કે લોકડાઉન 8 દિવસનું રાખવું કે 15 કે 21 દિવસનું રાખવું, એમ ટોપેએ વધુમાં કહ્યું હતું. મુંબઈમાં આજે કોરોનાના નવા 9,989 કેસ નોંધાયા હતા. આ રોગને કારણે આજે 58 જણના મરણ સાથે કોરોનાને કારણે શહેરમાં મૃત્યુ પામેલાઓની સંખ્યા વધીને 12,017 થઈ છે. શહેરમાં હાલ કોરોનાના 9,246 સક્રિય દર્દીઓ છે. 8,554 દર્દીઓ સાજા થયા છે અને એમને હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.