મુંબઈ મેટ્રો-3 લાઈન પરની ટ્રેનોના ડબ્બાની પ્રતિકૃતિનું ફડણવીસ દ્વારા અનાવરણ

મુંબઈ – શહેરમાં કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ રૂટ પર દોડનારી મેટ્રો ટ્રેન માટેના મેટ્રો-3 લાઈન પ્રોજેક્ટ માટેની ટ્રેનના ડબ્બાનું આજે અહીં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અનાવરણ કર્યું હતું. ડબ્બાની પ્રતિકૃતિ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન કંપનીનાં મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની ભીડેએ ફડણવીસ સમક્ષ રજૂ કરી હતી.

આ લાઈન માટે કુલ 31 ટ્રેન મેળવવામાં આવશે. દરેક ટ્રેન આઠ-ડબ્બાની હશે.

મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન કંપનીએ મેટ્રો-3 લાઈનનાં ડબ્બાઓ બનાવવાનું કામ એલસ્ટોમ ટ્રાન્સપોર્ટ ઈન્ડિયા લિમિટેડ કંપનીને આપ્યું છે.

મેટ્રો-3 લાઈન સંપૂર્ણપણે અન્ડરગ્રાઉન્ડ હશે. આને એક્વા લાઈન તરીકે પણ ગણવામાં આવે છે.

એલસ્ટોમ ઈન્ડિયા કંપની આંધ્ર પ્રદેશના શ્રી સિટીની છે.

મેટ્રો-3 લાઈનની ટ્રેનોનાં ડબ્બા અત્યાધુનિક ટેક્નોલોજીવાળા હશે. એ ડ્રાઈવરલેસ કામગીરી માટે પણ સક્ષમ હશે.

આ લાઈન માટેની ટ્રેનનાં ડબ્બાનો રંગ આછો લીલો (એક્વા ગ્રીન) અને આછો પીળો (બેજ) હશે. આછો લીલો રંગ સમુદ્રનાં મોજાંનાં પ્રવાહીપણા અને તાજગી અને ગતિનું પ્રતિક છે જ્યારે પીળો રંગ આરામદાયક પ્રવાસનું પ્રતિક છે.

મુંબઈ મેટ્રો-3 લાઈન 33.5 કિ.મી. લાંબી, અન્ડરગ્રાઉન્ડ કોરિડોર હશે. તેની ટ્રેન કોલાબાથી બાન્દ્રા અને સીપ્ઝ (સાંતાક્રૂઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન) અને અંધેરી ઈસ્ટ વચ્ચે દોડાવવામાં આવશે.
આ રૂટ પર 27 સ્ટેશનો હશે, જેમાંના 26 ભૂગર્ભ હશે.

ટ્રેનોનાં તમામ ડબ્બાઓ એરકન્ડિશન્ડ હશે અને એમાં એલસીડી સ્ક્રીન્સ પણ મૂકવામાં આવશે, જેમાં પ્રવાસીઓનાં મનોરંજન માટેનાં કાર્યક્રમો દર્શાવવામાં આવશે. પ્રવાસીઓને મદદરૂપ થાય એ માટે ડબ્બાઓમાં ડિજિટલ નકશાઓ મૂકવામાં આવશે. દરેક ડબ્બાઓમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે તેમજ વ્હીલચેરગ્રસ્ત પ્રવાસીઓ માટે અલાયદી જગ્યા પણ રખાશે.

 

હાલને તબક્કે આ રૂટ પરની ટ્રેનોને ઓટોમેટિક, એટલે કે ડ્રાઈવરવિહોણી બનાવવાનું વિચારવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં આ વર્ષે અનેક ભાગોમાં આવેલા ભયાનક પૂરને કારણે રાહત કામગીરીઓ હાથ ધરવામાં રાજ્ય સરકારને મદદરૂપ થવા માટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ કંપની તરફથી મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં ચાર લાખ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું છે. એ રકમનો ચેક કંપનીનાં મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની ભીડેએ મુખ્ય પ્રધાન ફડણવીસને સુપરત કર્યો હતો.