મુંબઈમાં બાન્દ્રા સ્વચ્છ ટર્મિનસ; કલ્યાણ સૌથી ગંદું સ્ટેશન

મુંબઈ – ભારતીય રેલવેએ સ્ટેશનો પર સ્વચ્છતા અંગે બહાર પાડેલા વર્ષ 2018 માટેના સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનોમાં મુંબઈનું બાન્દ્રા ટર્મિનસ સાતમા ક્રમે આવ્યું છે. પણ સૌથી ગંદા રેલવે સ્ટેશનોની યાદીમાં કલ્યાણ સ્ટેશન બીજા નંબર પર છે.

દેશમાં 407 રેલવે સ્ટેશનો ખાતે સ્વચ્છતા અંગેનું વાર્ષિક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં ટોપ-ટેનમાં મુંબઈનું માત્ર એક જ સ્ટેશન છે. પશ્ચિમ રેલવેના બાન્દ્રા ટર્મિનસે સાતમો ક્રમ હાંસલ કર્યો છે.

ગયા વર્ષે બાન્દ્રા સ્ટેશન 15મા ક્રમે હતું, આમ, એણે 7 નંબરની છલાંગ લગાવી છે, એ દર્શાવે છે કે ત્યાં સ્વચ્છતામાં ઘણો સુધારો-વધારો થયો છે.  બાન્દ્રા ટર્મિનસ સ્ટેશન ખાતે કાર્ટ સર્વિસ ઉપલબ્ધ છે. આ પેઈડ સર્વિસમાં પેસેન્જર દીઠ રૂ. 40 અને પ્રત્યેક બેગ દીઠ રૂ. 20 ચાર્જ લેવાય છે. ઘરડા લોકો માટે આ સેવા રાહતરૂપ છે.

સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનોની યાદીમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ 13મા નંબરે છે, તો લોકમાન્ય તિલક ટર્મિનસ 35મા, મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ 40મા, દાદર 39મા અને થાણે સ્ટેશન 57મા નંબરે છે. ઉલ્લેખનીય છે કે સ્વચ્છ રેલવે સ્ટેશનોની યાદીમાં જોધપુર, જયપુર અને તિરુપતિ પહેલા ત્રણ નંબર પર છે. વિજયવાડા ચોથે, આનંદ વિહાર ટર્મિનલ પાંચમે, સિકન્દ્રાબાદ જંક્શન છઠ્ઠે, હૈદરાબાદ આઠમે, ભૂવનેશ્વર 9મે અને વિશાખાપટનમ 10મા ક્રમે છે. કમનસીબે, ગુજરાતનું એકેય સ્ટેશન ટોપ-ટેનમાં નથી.

સૌથી અસ્વચ્છ રેલવે સ્ટેશનોની યાદીમાં કલ્યાણ દેશનું બીજા નંબરનું સ્ટેશન બન્યું છે. પહેલા નંબર પર ઉત્તર પ્રદેશનું મથુરા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]