‘ચિત્રલેખા’ને ‘ડિજિપબ વર્લ્ડ’ સિલ્વર એવોર્ડ પ્રાપ્તઃ ‘બેસ્ટ યુઝ ઓફ વિડિયો’ કેટેગરીમાં મળ્યું સમ્માન

ગુરુગ્રામ (હરિયાણા) – ‘ચિત્રલેખા’ મેગેઝિનના ‘ચિત્રલેખા ડોટ કોમ’ને આજે અહીં ડિજિપબ વર્લ્ડ એવોર્ડ્સ સમારંભમાં સિલ્વર એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ ‘ચિત્રલેખા’ને તેની વેબસાઈટ તથા સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરેલી પ્રેરણાત્મક વિડિયો-વાર્તા (Inspirational Video Stories) માટે એનાયત કરવામાં આવ્યો છે.

‘બેસ્ટ યુઝ ઓફ વિડિયો-2019’ કેટેગરીમાં મળેલો આ એવોર્ડ ‘ચિત્રલેખા’ વતી વાઈસ ચેરમેન મનન કોટક તથા ક્રીએટિવ આર્ટિસ્ટ પ્રશાંત ધુરે દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

ડિજિપબ વર્લ્ડ એવોર્ડની આ ત્રીજી આવૃત્તિ છે. એવોર્ડ સમારંભ હરિયાણાના ગુરુગ્રામ શહેરની હોટેલ વેસ્ટઈન ખાતે યોજવામાં આવ્યો હતો. ભારતમાં ઓનલાઈન પબ્લિશર્સને આપવામાં આવતો આ એકમાત્ર એવોર્ડ છે. આ એવોર્ડ ઓનલાઈન પબ્લિશર્સને અંગ્રેજી તથા ભારતીય ભાષાઓમાં પ્રશંસનીય વાચનસામગ્રી પીરસવા માટે આપવામાં આવે છે.

‘ચિત્રલેખા ડોટ કોમ’ દ્વારા Inspirational Video Stories કેટેગરીમાં મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, સ્ટીફન હોકિંગ, ડો. અબ્દુલ કલામ, ચાર્લી ચેપ્લિન, બ્રુસ લી, વિરાટ કોહલી વિશેની પ્રેરણાત્મક વાર્તા અનોખી એ રીતે છે કે તે ટેક્સ્ટ તેમજ વિડિયો ફોર્મેટમાં વેબસાઈટ તથા ફેસબુક અને ટ્વિટર સહિત સોશિયલ મિડિયા પર પ્રકાશિત કરવામાં આવી છે.

ડિજિપબ એવોર્ડ અંગ્રેજી તથા ભારતીય ભાષાઓમાં પ્રશંસનીય કામગીરી માટે આપવામાં આવે છે.

‘ચિત્રલેખા’એ આ સતત બીજા વર્ષે ‘ડિજિપબ વર્લ્ડ’ એવોર્ડ જીત્યો છે. 2018માં ‘બેસ્ટ આર્ટિકલ/વિડિયો સીરિઝ’ (પ્રાદેશિક પ્રકાશન) કેટેગરીમાં ‘ગોલ્ડ એવોર્ડ’ જીત્યો હતો.