મુંબઈના ગ્રાન્ટ રોડ, ચર્ની રોડ રેલવે સ્ટેશનોને ફરી એમનો મૂળ હેરિટેજ લુક અપાશે

મુંબઈ – દક્ષિણ મુંબઈમાં અને પશ્ચિમ રેલવે વિભાગ પર આવેલા ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ રેલવે સ્ટેશનોને એમની મૂળ વિરાસતનું ગૌરવ અપાવવા માટે એટલે કે ઓરિજિનલ હેરિટેજ લુક આપવા માટે પશ્ચિમ રેલવે એમને નવો ઓપ આપવાનું છે. એ માટે સારો એવો ખર્ચો પણ થશે.

ગ્રાન્ટ રોડની કાયાપલટ માટે રૂ. 5.31 કરોડનો ખર્ચ કરવામાં આવશે જ્યારે ચર્ની રોડ માટે રૂ. 3.74 કરોડ ખર્ચવામાં આવશે.

આ બંને સ્ટેશનોની કાયાપલટ કરી દેવાયા બાદ એમની જ લાઈનમાં આવેલા મરીન લાઈન્સ સ્ટેશનને નવો ઓપ આપવામાં આવશે.

આ ત્રણેય સ્ટેશનોને 2022ની સાલ સુધીમાં હેરિટેજ લુક આપવામાં આવશે.

ગ્રાન્ટ રોડ સ્ટેશનનું નામ મુંબઈ (અગાઉના બોમ્બે)ના ભૂતપૂર્વ ગવર્નર સર રોબર્ટ ગ્રાન્ટ (1859)ના નામ પર આપવામાં આવ્યું છે. 1859માં એને એક ટર્મિનસના રૂપમાં બનાવવામાં આવ્યું હતું, બાદમાં ટર્મિનસને બાજુના મુંબઈ સેન્ટ્રલ શિફ્ટ કરવામાં આવ્યું હતું.

ગ્રાન્ટ રોડ, ચર્ની રોડ અને મરીન લાઈન્સ, આ ત્રણેય સ્ટેશનો પર ચાર લાઈન (બે સ્લો અને બે ફાસ્ટ) માટે 3 પ્લેટફોર્મ્સ છે. ગ્રાન્ટ રોડ સ્ટેશન પર 3 ફૂટ ઓવરબ્રિજ છે અને એક સ્કાયવોક છે.

ગ્રાન્ટ રોડ સ્ટેશનની છ-માળવાળી પથ્થરની બનાવેલી ઈમારતના મેઝેનાઈન માળનાં સ્તંભોમાં તિરાડ પડી ગઈ છે.

પશ્ચિમ રેલવેના અધિકારીનું કહેવું છે કે આ ઈમારતને ફરીથી બનાવવામાં આવશે.

સ્ટેશનની મુખ્ય ઈમારતને રંગનો નવો કોટ આપવામાં આવશે.

ગ્રાન્ટ રોડ સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજને પહોળો કરવામાં આવશે અને તેની ઈમારતમાં કાટ ખાઈ ગયેલા સ્ટીલને મજબૂત બનાવવામાં આવશે. આ ઈમારતને જોખમી જાહેર કરવામાં આવી હતી. એના અમુક હિસ્સા પડવા પણ લાગ્યા હતા.

ચર્ની રોડ સ્ટેશન 1867માં બાંધવામાં આવ્યું હતું. ત્યાં આજે 3 ફૂટ ઓવરબ્રિજ છે.

બંને સ્ટેશનમાંના ઈન્ટીરિયરને અપગ્રેડ કરવામાં આવશે. ઈલેક્ટ્રિકલ સંરચનાને અપગ્રેડ કરવામાં આવશે. સાઈનેજ, ચાનાં સ્ટોલ્સ તથા શૌચાલયોને નવેસરથી નવી ડિઝાઈન સાથે બનાવવામાં આવશે. ઈમારતને રોશનીથી ચમકાવવામાં આવશે. પ્રવેશદ્વારને નવી ડિઝાઈન આપવામાં આવશે.

જો બધું બરાબર રીતે પાર પડશે તો ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ સ્ટેશનોના હેરિટેજ લુકને બે વર્ષમાં જ પ્રસ્થાપિત કરવામાં આવશે.