નિયમ તોડી પાર્ટી કરીઃ રૈનાએ માફી માગી

મુંબઈઃ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના એ 34 લોકોમાં સામેલ છે, જેમણે ક્લબમાં કોવિડ-19ના સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. પોલીસે દરોડા દરમ્યાન તેમની ધરપકડ કર્યા પછી તેમને જામીન પર મુક્ત કર્યા હતા. રૈનાએ કબૂલ્યું હતું કે એ બિનઇરાદાપૂર્વક અને કમનસીબ ઘટના હતી. મેનેજરે કહ્યું હતું કે પોલીસ દરોડા દરમ્યાન સુરેશ રૈનાને  મુંબઈના કાયદા (કોરોના વાઇરસ) વિશે પૂરી માહિતી નહોતી.

મુંબઈ એરપોર્ટ પાસે આવેલી JW મેરિયોટ હોટેલના ડ્રેગનફ્લાઈ ક્લબમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ક્લબમાં હાજર સુરેશ રૈના, ગુરુ રંધાવા અને બોલીવૂડ સેલિબ્રિટી સુઝેન ખાન અને અનેક ફિલ્મ કલાકારો સહિત 34 લોકોએ સામાજિક નિયમોનું મોટા પાયે ઉલ્લંઘન કર્યું હતું. પોલીસે આ લોકો સામે આઇપીસીની કલમ 188, 269, 34 NMDAની જોગવાઈ હેઠળ કેસ નોંધીને ધરપકડ કરી લીધી હતી. ત્યાર બાદ તેમને CRPC 41 (a) (1)ની નોટિસ પર છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે તેમની જરૂર પડશે, ત્યારે તેમની પૂછપરછ માટે ક્યારેય પણ મુંબઈ બોલાવી શકાશે.

સુરેશ મુંબઈમાં શૂટિંગ માટે આવ્યો હતો, પણ શૂટિંગ લંબાઈ જતાં અને તેના એક મિત્રએ તેને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું અને એ ડિનર પછી દિલ્હી ફ્લાઇટમાં પરત ફરવાનો હતો. સત્તાવાળા દ્વારા એક વાર તેને નિયમોથી માહિતગાર કરવામાં આવતાં તરત તેણે નિયમોનું પાલન કર્યું હતું અને એ વિશે તેણે ખેદ વ્યક્ત કર્યો હતો અને અજાણતા બનેલી ઘટના વિશે દિલગીરી વ્યક્ત કરી હતી. રૈનાએ કહ્યું હતું કે તે સરકારના નિયમો અને કાયદાઓનું હમેશાં સન્માન કરે છે અને ભવિષ્યમાં પણ તે પાલન કરશે.