હાઈકોર્ટે કાંજુરમાર્ગમાં મેટ્રો-કાર શેડનું કામકાજ અટકાવ્યું

મુંબઈઃ શહેરના કાંજુરમાર્ગ ઉપનગરમાં મેટ્રો કાર શેડ (ડેપો કે યાર્ડ) પ્રોજેક્ટના કામકાજને અટકાવતો સ્ટે ઓર્ડર આજે મુંબઈ હાઈકોર્ટે આપ્યો છે. કોર્ટે મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવેલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ને આદેશ આપ્યું છે કે આ બાબતમાં હાલ જે પરિસ્થિતિ છે એને જ જાળવી રાખવી. કાંજુરમાર્ગ ખાતેની સૂચિત 102 એકરની જમીનની માલિકીનો કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર, બંનેએ દાવો કર્યો છે. હવે હાઈકોર્ટે કહ્યું છે કે ફરિયાદી કેન્દ્ર સરકાર તથા અન્ય પક્ષોની દલીલ સાંભળવામાં ન આવે ત્યાં સુધી પ્રોજેક્ટમાં કોઈ પ્રકારનું કામકાજ કરવું નહીં.

ઉલ્લેખનીય છે કે, કાંજુરમાર્ગમાં 102 એકરની જમીન પર મેટ્રો કાર શેડ બનાવવાનો મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે નિર્ણય લીધા બાદ ગયા મહિને કેન્દ્ર સરકારે તે પ્રોજેક્ટમાં આગળ ન વધવાનું MMRDA ને કહ્યું હતું. આ મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ ગોરેગાંવ (પૂર્વ)ના આરે કોલોનીમાં બનાવવાનું અગાઉની રાજ્ય સરકારના ભાજપે નક્કી કર્યું હતું, પણ પર્યાવરણવાદીઓએ વિરોધ કરતાં શિવસેનાએ પણ તેને સમર્થન આપ્યું હતું. શિવસેનાની આગેવાની સરકાર સત્તા પર આવ્યા બાદ તેણે ગયા વર્ષના ઓક્ટોબરમાં પ્રોજેક્ટને અટકાવી દીધો હતો અને જાહેરાત કરી હતી કે આ પ્રોજેક્ટ હવે કાંજુરમાર્ગમાં ખસેડવામાં આવશે. ત્યારબાદ મુંબઈ સબર્બન ડિસ્ટ્રીક્ટ કલેક્ટરે એ માટે જમીન ફાળવી દીધી હતી. રાજ્ય સરકારના એ નિર્ણયને કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.