ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે કબૂતરને ચણ નાખવા પર પ્રતિબંધથી લોકોમાં રોષની લાગણી

મુંબઈ – કેન્દ્ર સરકારે સ્વચ્છતા હી સેવા નામે નવી શરૂ કરેલી ઝુંબેશને દેશભરમાં વ્યાપક લોકોએ આવકારી છે, પણ મુંબઈમાં ઘણા ધાર્મિક લોકો તેમજ પક્ષીપ્રેમીઓ નારાજ થયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શનિવારથી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ શરૂ કરી છે અને તે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી સુધી ચાલશે.

પરંતુ, આ ઝુંબેશને કારણે મુંબઈના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ગેટવે ઓફ ઈન્ડિયા ખાતેના કબૂતરખાના ખાતે પક્ષીઓને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગેટવે ઓફ ઈન્ડિયાને સ્વચ્છ રાખવા માટે મહાપાલિકાએ કબૂતરોને ચણ નાખવા માટેના કામચલાઉ ઈનક્લોઝરને તોડી પાડ્યું છે.

આ પ્રતિબંધ મુંબઈ મહાનગરપાલિકાએ મૂક્યો છે, પણ એને કારણે જૈન સંસ્થાઓ નારાજ થઈ છે. એમનો દાવો છે કે તેઓ દાયકાઓથી આ સ્થળે કબૂતરોને ચણ ખવડાવે છે. સંસ્થાઓએ કહ્યું છે કે જો પ્રતિબંધ ઉઠાવી લેવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે.

પારસ જૈન નામના એક જૈન આગેવાને કહ્યું છે કે ઘણા વેપારીઓ તથા જૈન મંદિરના ટ્રસ્ટના સ્વયંસેવકો ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે કબૂતરોને ચણ ખવડાવવા માટે અનાજ સપ્લાય કરે છે.

પક્ષીપ્રેમીઓએ પણ મહાનગરપાલિકાના નિર્ણયને વખોડી કાઢ્યો છે. એમનું કહેવું છે કે પક્ષીઓને ચોક્કસ સ્થળે ચણ, ખોરાક મળવાની ખાતરી હોવાથી તેઓ ત્યાં અચૂક આવતા હોય છે. ચણ નાખવાનું અચાનક બંધ કરી દેવાયું છે એટલે તેઓ ગભરાઈ ગયા હશે. મહાપાલિકાએ આ રીતે આપખુદ રીતે નિર્ણય લેવો ન જોઈએ.

બીજી બાજુ, મહાનગરપાલિકાના સહાયક કમિશનર (A-વોર્ડ) કિરણ દિઘાવકરનું કહેવું છે કે ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે કબૂતરખાના માટે ક્યારેય કોઈ પરવાનગી આપવામાં આવી નહોતી. લોકોના ચાલવાના રસ્તામાં કબૂતરોને ચણ નાખવાથી એક ઉપદ્રવ થઈ ગયો હતો. પર્યટકોને ચાલવાની જગ્યા મળતી નહોતી. કબૂતરો માટે એટલી મોટી જગ્યા આપવાનું શક્ય નહોતું.

જોકે ગેટવે ઓફ ઈન્ડિયાની આસપાસ રહેનારા કેટલાક લોકોએ તો ગેટવે ઓફ ઈન્ડિયાના પ્રોમિનાડ ખાતે પક્ષીઓને ચણ નાખવાનું ફરી શરૂ કરી દીધું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]