મુંબઈ મહાપાલિકા સ્કૂલ વિદ્યાર્થિનીઓને નિઃશુલ્ક સેનિટરી પેડ્સ પૂરા પાડશે

મુંબઈ – મુંબઈ મહાનગરપાલિકા (BMC – બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા તેના દ્વારા સંચાલિત શાળાઓમાં 6 થી 10 ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને મફતમાં સેનિટરી નેપ્કિન્સ પૂરા પાડશે.

પરંતુ, આ નેપ્કિન્સનો નિકાલ કરવા માટેની કોઈ યંત્રણા એણે તૈયાર કરી નથી.

સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે આવા નેપ્કિન્સને બાળી નાખવા એ ઉચિત વિકલ્પ નથી, કારણ કે એનાથી પર્યાવરણને નુકસાન થાય.

તાજેતરના પ્રસ્તાવ અનુસાર, મહાપાલિકા તેના દ્વારા સંચાલિત શાળાઓમાં 6 થી 10 ધોરણોમાં ભણતી વિદ્યાર્થીઓને દર મહિને આઠ સેનિટરી નેપ્કિન્સ મફત પૂરા પાડશે. માત્ર ઉનાળાના વેકેશનના બે મહિનામાં આ નેપ્કિન્સ આપવામાં નહીં આવે.

મહાપાલિકા વહીવટીતંત્રએ આ યોજના માટે ત્રણ વર્ષ માટે રૂ. 9 કરોડનું બજેટ મંજૂર કર્યું છે.

મહાપાલિકાના આ નિર્ણયથી મુંબઈની 47,084 વિદ્યાર્થિનીઓને લાભ થશે.

આ પ્રસ્તાવ અને યોજનાને આવકાર મળ્યો છે, પરંતુ નેપ્કિન્સના નિકાલનો પ્રશ્ન હજી ઉકેલાયો નથી.

નેપ્કિન્સના યોગ્ય પ્રકારે નિકાલ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનમાં અરજી પણ કરવામાં આવી છે. સુનાવણી થવાની બાકી છે.