ભૂજના અનાથ બાળકને જન્મના પાંચ વર્ષ બાદ શ્રવણશક્તિ ભેટ મળી!

મુંબઈઃ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ડૉક્ટરોએ ભૂજના પાંચ વર્ષના અનાથ અને બહેરા બાળક પર કોકલિયર ઇમ્પ્લાન્ટ સફળતાપૂર્વક કર્યું છે. હવે ગુજરાત અનાથાશ્રમ દ્વારા કોઈ કુટુંબ દત્તક લઈ શકે એવા સંજોગ સર્જાયા છે. હર્ષ જન્મના એક દિવસ પછી 2014માં ભૂજમાં જીકે જનરલ હોસ્પિટલના શૌચાલયમાં મળી આવ્યો હતો. ત્યાર બાદ ભૂજના “કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રએ” હર્ષને આશ્રય આપ્યો હતો.

જ્યારે કેન્દ્રના કાર્યકર્તાઓને જાણ થઈ કે બાળક તેમના બોલેલા શબ્દો કે અવાજ પર કોઈ પ્રતિસાદ આપતું નથી, ત્યારે તેમણે થેરપી સેશનથી સારવાર કરવાનો પ્રયાસ કર્યો હતો. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રનાં હેડ ઇલા મહેતાએ કહ્યું હતું કે, “અમે હર્ષને ભૂજની ધનવંતરી હોસ્પિટલમાં લઈ ગયા હતાં, જ્યાં ફિઝિશિયનોએ જાણકારી આપી હતી કે, બાળક જન્મજાત બહેરાશ ધરાવે છે, જેનાથી એની બોલવાની ક્ષમતાને પણ અસર થઈ છે.”

એ પછી હર્ષને ૨૦૧૮માં “કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિલ” દ્વારા ભૂજમાં યોજેલા કેમ્પમાં લાવવામાં આવ્યો, જેમાં હર્ષ માટે આશાનું કિરણ ખૂલ્યું હતું. આ પ્રોજેક્ટમાં સામેલ માથા-ગરદનના રોબોટિક્સ સર્જન અને કન્સલ્ટન્ટ ઇએનટી સ્પેશિયાલિસ્ટ ડૉ. સંજીવ બઘવારે નિદાન કર્યું કે, હર્ષ બંને કાનમાં સાંભળવાની ક્ષમતા ઘણી ગુમાવી બેઠો છે. ડોક્ટરે જણાવ્યું હતું કે, એની સારવાર માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. આ સર્જરી બહુ મોંઘી છે.

ડૉ. બઘવારે ઉમેર્યું હતું કે, “હર્ષ અનાથ હોવાથી એ સર્જરી માટે નાણાં ખર્ચી શકવાની ક્ષમતા ધરાવતો નહોતો એટલે અમે એને મુંબઈ લાવી એની નિઃશુલ્ક સર્જરી તથા સારવાર કરી. જાન્યુઆરી, 2019માં હર્ષના જમણા કાનમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં હર્ષ અવાજ સાંભળતાં પ્રતિસાદ આપવા લાગ્યો હતો.” પછી તેને સ્પેશિયાલિસ્ટની દેખરેખ હેઠળ ભૂજમાં બોલવા માટે પાંચ મહિનાની થેરપી આપવામાં આવી.

હર્ષનાં સ્પીચ સ્પેશ્યાલિસ્ટ, ભૂજના ડૉ. ગૌરાંગ જોશીએ કહ્યું હતું કે, “અત્યારે હર્ષ દ્વિપદી શબ્દો બોલી શકે છે અને ધીમે ધીમે એની બોલવાની ક્ષમતા વધી રહી છે. એની પ્રતિસાદ આપવાની ઝડપ ધીમે ધીમે વધી રહી છે અને સ્થાનિક શબ્દો બોલવાનું પણ ધીમે ધીમે શીખી રહ્યો છે.”

આ સપ્તાહની શરૂઆતમાં હર્ષે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ મુંબઈની મુલાકાત લીધી હતી. એની સર્જરી કરનાર ડૉક્ટરોએ જાહેરાત કરી હતી કે, હર્ષની બોલવા-સાંભળવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો હતો. ડો. બઘવારે કહ્યું હતું કે, “અમે એણે ગુમાવેલી સાંભળવાની ક્ષમતાને પરત લાવવા સફળ સારવાર કરી છે અને તે આગામી 18 મહિના સુધી હોસ્પિટલની મુલાકાત લેતો રહેશે. દરમિયાન અમે એની બોલવાની ક્ષમતા પર પણ નજર રાખીશું અને એની સારવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી એનાં સ્પીચ થેરપિસ્ટ સાથે સતત સંપર્કમાં રહીશું. અમને હર્ષની સારવાર કરીને ખરેખર આનંદ થયો છે.”

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]