નવી મુંબઈમાં લૂંટારા ૨૫-ફૂટ લાંબું બોગદું ખોદી બેન્ક લૂંટી ગયા

નવી મુંબઈ – મુંબઈ મહાનગરની પડોશના નવી મુંબઈ શહેરમાં બેન્ક ઓફ બરોડાની શાખામાં લૂંટનો ગજબ કિસ્સો બન્યો છે. લૂંટારાઓ ૨૫-ફૂટ લાંબું બોગદું ખોદીને અહીં બેન્ક ઓફ બરોડાની જુઈનગર શાખામાં ઘૂસ્યા હતા અને ઓછામાં ઓછા ૩૦ સેફ બોક્સીસમાંથી રોકડ રકમ તથા કિંમતી ચીજવસ્તુઓની રૂ. એક કરોડની કિંમતની માલમત્તા લૂંટી ગયા છે.

પોલીસના જણાવ્યા મુજબ, હોલીવૂડની કોઈ ફિલ્મની સ્ટાઈલની લૂંટ ગયા સપ્તાહાંતની રજા દરમિયાન થઈ હશે, પરંતુ બેન્ક આજે સોમવારે સવારે જ્યારે ખૂલી ત્યારે લૂંટની જાણ થઈ હતી.

તપાસનીશ પોલીસોએ કહ્યું કે લૂંટારાઓએ બેન્કના સ્ટોર રૂમની બહારના ભાગમાં અડીને આવેલી એક દુકાનમાંથી બોગદું ખોદ્યું હતું. બેન્કમાં અનેક ખાનગી લોકર્સ છે જે લોકોને એમની કિંમતી ચીજવસ્તુઓ તથા દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે ભાડાથી આપવામાં આવ્યા છે.

લૂંટારા જોકે બેન્કનું કેશ રીઝર્વ્સ જ્યાં રાખવામાં આવે છે એ મુખ્ય સેફ વિભાગને થોડવામાં સફળ થયા નહોતા.

ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ-હોલીવૂડ ફિલ્મ ‘ધ બેન્ક જૉબ’ની સ્ટાઈલમાં અહીંની બેન્ક ઓફ બરોડાની શાખામાં લૂંટ કરવામાં આવી છે.

એક પોલીસ અધિકારીનું માનવું છે કે આ લૂંટ નિષ્ણાત ગુનેગારોનું છે.

નવી મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાળેના જણાવ્યા મુજબ, ચોરોએ બાજુની દુકાન ગયા મે મહિનાથી ભાડા પર આપી હતી. લૂંટારાઓએ દુકાનમાંથી બેન્કના લોકર રૂમ સુધી ૨૫ ફૂટ લાંબું બોગદું ખોદ્યું હતું.

બેન્કના ૨૨૫ લોકર્સમાંથી ૩૦ લોકર તૂટેલા જોવા મળ્યા હતા.

નાગરાળેએ કહ્યું છે કે લૂંટના આ બનાવમાં તપાસ દરમિયાન પોલીસને અમુક કડીઓ હાથ લાગી છે અને અધિકારીઓની ટીમ એની પર આગળ વધી રહી છે.

કેટલી રકમની માલમત્તા ચોરાઈ છે એ હજી ચોક્કસપણે જાણવા મળ્યું નથી. બેન્ક દ્વારા મૂલ્યાંકન પ્રક્રિયા ચાલુ છે. બેન્કે તેના તમામ ગ્રાહકોને બોલાવ્યા છે તથા અન્ય રેકોર્ડ્સની ચકાસણી પણ ચાલુ છે.

બેન્ક ઓફ બરોડા તરફથી આ લૂંટના બનાવ અંગે કોઈ નિવેદન કે કમેન્ટ કરવામાં આવ્યા નથી.

લૂંટ થયાની જાણ આજે સવારે લગભગ ૧૧ વાગ્યે થઈ હતી જ્યારે એક ગ્રાહક તેનું લોકર ખોલવા માટે બેન્કમાં ગયો હતો. એની સાથે બેન્કનો એ કર્મચારી પણ સેફ વોલ્ટ સુધી ગયો હતો. બંનેના આશ્ચર્ય અને આઘાત વચ્ચે એમણે અનેક લોકર્સ તૂટેલા જોયા હતા અને લૂંટારા જ્યાંથી અંદર પ્રવેશ્યા હતા એ બોગદું પણ એમણે જોયું હતું.