મેટ્રો રેલવે પ્રવાસ માટે સામાનને લગતા નિયમોમાં ફેરફારઃ હવે 25 કિલો સુધીની બેગ લઈ જઈ શકાશે

મુંબઈ – કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોને લગતા મંત્રાલયે મેટ્રો રેલવે (સામાન અને ટિકિટ)ના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે અને હવે પ્રવાસીઓને વધારે વજનવાળી બેગ લઈ જવાની છૂટ આપવામાં આવશે.

અત્યાર સુધી 15 કિલોગ્રામ સુધીના વજનની બેગ લઈ જવાની છૂટ હતી. હવે દેશભરમાં મેટ્રો ટ્રેનોમાં પ્રવાસીઓ 25 કિલોગ્રામ સુધીના વજનની બેગ-સામાન લઈ જઈ શકશે.

આ નિયમોને કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયે ગઈ 27 ઓગસ્ટે નોટિફાય કરી દીધા છે. એમાં જણાવાયું છે કે મેટ્રો ટ્રેનોમાં પ્રવાસીઓ બંડલના રૂપમાં સામાન લઈ જઈ નહીં શકે. તેઓ 25 કિલોગ્રામ સુધીના વજનની માત્ર એક જ બેગ લઈ જઈ શકશે.

આ નિયમમાં ફેરફાર કરવા માટે સરકારે મેટ્રો રેલવેઝ (કેરેજ એન્ડ ટિકિટ) રુલ્સ-2014માં સુધારો કર્યો છે.

નોટિફિકેશનમાં જણાવાયું છે કે મેટ્રો રેલવેમાં પ્રવાસ કરતી વખતે કોઈ પણ વ્યક્તિ એની સાથે એક જ બેગ રાખી શકશે જેનું કુલ વજન 25 કિલોગ્રામથી વધારે હોવું ન જોઈએ અને એનું કદ 80 સેન્ટીમીટર્સ X 50 સેન્ટીમીટર્સ X 30 સેન્ટીમીટર્સથી વધારે હોવું ન જોઈએ. આનાથી વધારે વજન કે કદવાળી બેગ-સામાન લઈ જવો હોય તો મેટ્રો રેલવે વહીવટીતંત્રની આગોતરી પરવાનગી લેવાની રહેશે.

સરકારે એરપોર્ટ્સ માટેની ડેડીકેટેડ મેટ્રો ટ્રેનોમાં વ્યક્તિ દીઠ 32 કિલોગ્રામ સુધીના વજનની એક બેગ લઈ જવાની પણ છૂટ આપી છે. આ સામાન પણ બંડલના રૂપમાં હોવો ન જોઈએ, પણ માત્ર એક બેગના રૂપમાં જ હોવો જોઈએ.

વળી, એનું કદ 90 સેન્ટીમીટર્સ X 75 સેન્ટીમીટર્સ X 45 સેન્ટીમીટર્સથી વધારે હોવું ન જોઈએ. એનાથી વધારે કદ કે વજનની બેગ લઈ જવી હોય તો મેટ્રો રેલવે વહીવટીતંત્રની આગોતરી પરવાનગી લેવાની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]