સમગ્ર મહારાષ્ટ્રમાં 44-દિવસની હડતાળ પર જવાની ઓટોરિક્ષા ડ્રાઈવરોની ચીમકી

મુંબઈ – મહારાષ્ટ્રભરના ઓટોરિક્ષાચાલકોના યુનિયનોએ નવેંબરના અંતભાગથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની સૂચક ચેતવણી આપી છે. 44 દિવસની હડતાળ પર જવાનો નિર્ણય ઓટોરિક્ષાચાહકોની ગઈ કાલે નવી મુંબઈમાં મળેલી ચાર-કલાકની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

કોપરખૈરણે નગરમાં યોજાયેલી બેઠકમાં એવું નક્કી કરાયું છે કે રાજ્ય સરકારને ત્રણ-મુદ્દાનો એજન્ડા સુપરત કરવો. જો સરકાર 26 નવેંબર સુધીમાં એ ન સ્વીકારે તો 27મી નવેંબરથી અચોક્કસ મુદતની હડતાળ પર જવું.

ઓટોરિક્ષા ડ્રાઈવરોના યુનિયનોએ આ પહેલી જ વાર આવી બેમુદત હડતાળની ધમકી આપી છે.

મુંબઈ ઉપરાંત પુણે, બીડ, નાગપુર, નાશિક, વિદર્ભ વગેરે વિસ્તારોના ઓટોરિક્ષાચાલકોએ ભાડા વધારવા, થર્ડ-પાર્ટી ઈન્શ્યૂરન્સ પદ્ધતિ નાબૂદ કરવા અને ગેરકાયદેસર દોડાવવામાં આવતી રિક્ષાઓ તથા લોકોને સફર કરાવતા અન્ય વાહનોને દૂર કરવામાં આવે એવી મુખ્ય માગણીઓ કરી છે. યુનિયનો આમાં ભાડા વધારી દેવાની માગણીનો તાત્કાલિક સ્વીકાર કરવામાં આવે એવું ઈચ્છે છે.

મુંબઈમાં ઓટોરિક્ષાચાલકો હાલના રૂ. 18નું ભાડું વધારીને રૂ. 21 કરાય એવી માગણી કરે છે. રાજ્યભરમાં અન્યત્ર પણ એમણે ભાડામાં રૂ. 3નો વધારો કરવાની માગણી મૂકી છે.

મહારાષ્ટ્ર રાજ્ય ઓટોરિક્ષા ચાલક માલક સંયુક્ત કૃતિ સમિતિના પ્રમુખ શશાંક રાવે કહ્યું છે કે અમારી માગણીઓ જો 26 નવેંબર સુધીમાં સ્વીકારવામાં નહીં આવે તો અમે રાજ્યભરમાં વિવિધ આરટીઓ કચેરીઓની બહાર દેખાવો કરીશું અને તે પછી પણ સરકાર માગણી નહીં સ્વીકારે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જઈશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]