અનુષ્કા શર્માએ જ્યારે રોડ પર કચરો ફેંકનાર ‘અમીર બાપ કા બેટા’ને ખખડાવી નાખ્યો

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એની પત્ની અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે જેમાં અનુષ્કા રોડ પર પ્લાસ્ટિકનો કચરો ફેંકનાર એક માણસને ઠપકો આપતી જોવા મળે છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે અનુષ્કા પોતાની કારની બારીનો કાચ નીચે ઉતારીને એક બીજી કારમાં બેઠેલા માણસને ખખડાવી રહી છે, જે કારની પાછલી સીટ પર બેઠો હતો અને કારમાંથી રસ્તા પર પ્લાસ્ટિકનો કોઈક કચરો ફેંકતા અનુષ્કા એને જોઈ ગઈ હતી.

વિડિયો જોતાં એવું લાગે છે કે એનું રેકોર્ડિંગ વિરાટે કર્યું હશે.

httpss://twitter.com/imVkohli/status/1007952358310055937

અનુષ્કાએ પેલા દેખીતી રીતે જ ધનવાન જણાતા માણસને ઠપકો આપતા કહ્યું કે, ‘તમે રસ્તા પર કચરો શા માટે ફેંકો છો?’ પેલો માણસ ડઘાઈને જોવા લાગ્યો હતો અને અનુષ્કાનો સવાલ દોહરાવ્યો હતો. ત્યારે અનુષ્કાએ ફરી સવાલ કર્યો, ‘હા, તમે રસ્તા પર પ્લાસ્ટિક શા માટે ફેંકો છો? મહેરબાની કરીને ધ્યાન રાખો. તમે આ રીતે રસ્તા પર પ્લાસ્ટિક ફેંકી ન શકો. કચરાપેટીમાં નાખો.’

વિરાટે એ વિડિયો પોતાના ટ્વિટર પેજ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, જુઓ તો ખરા, લોકો રસ્તા પર કેવો કચરો ફેંકે છે. એવા લોકોને ઠપકો આપવો બરાબર જ છે. લક્ઝરી કારમાં ફરનારાઓનું ભેજું તો જુઓ કેવું બહેર મારી ગયું છે. શું આવા લોકો આપણા દેશને સ્વચ્છ રાખશે? સાચી વાત છે, તમે જ્યારે પણ આવું કંઈક ખોટું થતાં જુઓ તો આવું જ કરજો અને જાગૃતિ ફેલાવજો.’ આમ કહીને વિરાટે એની પત્નીને ટેગ કરી છે.

અરહન સિંહ નામના એ માણસે જોકે પોતે ઈરાદાપૂર્વક કચરો પોતાની કારમાંથી ફેંક્યો હોવાનો પોતાના ફેસબુક પેજ પર ઈનકાર કર્યો છે પણ સાથોસાથ એમ પણ લખ્યું છે કે પ્લાસ્ટિકનો એ કરચો કારમાંથી પોતાની બેદરકારીને કારણે પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, માનવીઓએ જે કેટલાક પ્લાસ્ટિક ઉત્પાદનો પોતાની સવલત માટે બનાવ્યા છે, જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. આવા પ્લાસ્ટિકનો નાશ થતાં હજારો વર્ષો લાગે છે. આવી ચીજવસ્તુઓમાં પ્લાસ્ટિકની થેલીઓનો પણ સમાવેશ થાય છે જેનો આપણે દૈનિક જીવનમાં ઉપયોગ કરીએ છીએ. ભારતમાં ઘણા રાજ્યોમાં કાયદેસર રીતે પ્લાસ્ટિકની થેલીઓ સહિત પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે છતાં કાયદાનો બહુ કંગાળ રીતે અમલ કરાય છે. હલકી ગુણવત્તાવાળી પ્લાસ્ટિકની થેલીઓનો આજે પણ છૂટથી ઉપયોગ કરવામાં આવે છે.

કેટલાક લાગણીવિહોણા લોકોની દલીલ છે કે વિરાટ અને અનુષ્કા આવું પબ્લિસિટી મેળવવા માટે કરે છે, પરંતુ આવી સેલિબ્રિટી વ્યક્તિઓ આવું કંઈ પણ કરે તો એ આખરે જનહિતના લાભમાં જ છે.

કેન્દ્ર સરકારે શરૂ કરેલી ‘સ્વચ્છ ભારત’ ઝુંબેશમાં બોલીવૂડમાંથી અનેક સિતારાઓને સામેલ કરવામાં આવ્યા છે. અનુષ્કા શર્મા એમાંની એક છે. એને સ્વયં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય તરફથી સ્વચ્છતા ઝુંબેશમાં સામેલ કરવાનું આમંત્રણ અપાયું હતું અને અનુષ્કાએ એનો તત્કાળ સહર્ષ સ્વીકાર કર્યો હતો.

અનુષ્કા હાલ ‘ઝીરો’ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. એમાં તે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે ફરી એક વાર જોવા મળશે. તે ઉપરાંત ‘સૂઈ ધાગા’ ફિલ્મનું પણ એ શૂટિંગ કરી રહી છે જેમાં એનો હીરો વરુણ ધવન છે.