મુંબઈમાં આઘાતને કારણે PMC બેન્કના એક વધુ ડિપોઝીટરનું મૃત્યુ

મુંબઈ – પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેન્કના કેશુમલ હિન્દુજા નામના એક ખાતેદારનું હાર્ટ એટેકને કારણે ગઈ કાલે મૃત્યુ થયું હતું.

હિન્દુજા 68 વર્ષના હતા. 29 ઓક્ટોબરે છાતીમાં દુખાવો થતો હોવાની એમણે ફરિયાદ કરતાં એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે પછીના દિવસે એમનું હાર્ટ એટેકને કારણે અવસાન નિપજ્યું હતું, એમ તેમના પુત્રીએ જણાવ્યું છે.

હિન્દુજાનાં પુત્રીનું કહેવું છે કે એમનાં પિતાને કોઈ બીમારી નહોતી અને તે મુલુંડ ઉપનગરમાં કરિયાણાંની દુકાન રોજિંદા ઉત્સાહ સાથે ચલાવતા હતા. તે છતાં પીએમસી બેન્કનું કૌભાંડ બહાર આવ્યા બાદ એ માનસિક રીતે તાણ હેઠળ રહેતા હતા.

જોકે પિતાએ એમના એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કર્યા હતા એની પોતાને કોઈ જાણકારી નથી એમ એમના દીકરીએ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પીએમસી બેન્ક કૌભાંડ બહાર આવ્યા બાદ તે સંબંધિત આ સાતમી ડિપોઝીટર વ્યક્તિનું મૃત્યુ થયું છે.