અંધેરીમાં ઈસ્ટ-વેસ્ટ ઓવરબ્રિજનો અમુક ભાગ પાટા પર પડ્યો; પશ્ચિમ રેલવેની ટ્રેનસેવા ઠપ

મુંબઈ – સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે આજે સવારે અંધેરી ઉપનગરમાં અંધેરી સ્ટેશનની નજીક અંધેરી-વિલે પારલે વચ્ચે પૂર્વ-પશ્ચિમ ભાગોને જોડતા ગોખલે રોડ ઓવરબ્રિજનો અમુક ભાગ તૂટીને અંધેરીના 8-9 નંબરના પ્લેટફોર્મ પર (વિલે પારલે તરફના ભાગ પર) તથા પાટા પર પડ્યો હતો. એને કારણે અંધેરી અને ચર્ચગેટ વચ્ચેની ટ્રેનસેવા (ફાસ્ટ તથા સ્લો – બંને લાઈન પર) ઠપ થઈ ગઈ છે. જાનહાનિ થયાનો કોઈ અહેવાલ નથી, પરંતુ પાંચ જણ ઘાયલ થયા છે. એક જણને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં બચાવ કામદારો સફળ થયા હતા.

આ ઘટના લગભગ સાડા સાત વાગ્યે બની હતી. ઓવરબ્રિજનો અમુક ભાગ અંધેરીના 8 અને 9 નંબરના પ્લેટફાર્મ પર અને તેની બાજુના ફાસ્ટ ટ્રેક ઉપર પડ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ઘાયલ થયેલી વ્યક્તિઓના નામ છેઃ દ્વારકા પ્રસાદ, ગિંધામી સિંહ, મનોજ મહેતા, હરીશ કોહાટે અને અસ્મિતા કાટકર. આમાં, અસ્મિતા કાટકરની હાલત ગંભીર છે.

જુદા જુદા સ્ટેશનો વચ્ચે ટ્રેનો અધવચ્ચે અટકી ગઈ હોવાથી કામ-ધંધે જવા નીકળેલા લોકો અટવાઈ ગયા છે. પાટા પર ટ્રેનોની લાઈન લાગી છે. લોકો પાટા પર ઉતરીને નજીકના સ્ટેશન તરફ જતા જોવા મળ્યા હતા.

વિરાર અને બોરીવલીથી ચર્ચગેટ તરફ જતી ટ્રેનો હાલ માત્ર અંધેરી સુધી જ જાય છે.

પાટા પર તૂટી પડેલા પૂલના કાટમાળને ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.