અનંત અંબાણીની સગાઈ થશે, શું આ છે અનંતની ગર્લફ્રેન્ડ?

મુંબઈ – દેશના સૌથી શ્રીમંત અંબાણી પરિવારના અત્રેના નિવાસસ્થાન એન્ટિલીયામાં આજકાલ આનંદનું વાતાવરણ છે. ત્યાંથી એક પછી એક ખુશીના સમાચાર આવતા રહે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના જોડિયા પુત્ર-પુત્રી આકાશ અને ઈશાની સગાઈ અનુક્રમે શ્લોકા મહેતા અને આનંદ પિરામલ સાથે થયા બાદ હવે નાના પુત્ર અનંત અંબાણીની પણ ટૂંક સમયમાં સગાઈ થવાની સોશિયલ મિડિયા પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

અનંત જાણીતા ઉદ્યોગપતિ વીરેન મરચંટની પુત્રી રાધિકા સાથે લગ્નના બંધનથી બંધાશે એવી ચર્ચા છે. જોકે હજી સુધી અંબાણી કે મરચંટ પરિવારો તરફથી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

મુકેશ-નીતા અંબાણીના મોટા પુત્ર આકાશની સગાઈ ડાયમંડ ટ્રેડિંગ કંપની રોઝી બ્લૂ ડાયમંડ્સના માલિક રસેલ મહેતા અને મોના મહેતાની પુત્રી શ્લોકા સાથે થઈ છે અને પુત્રી ઈશાની સગાઈ ઉદ્યોગપતિ અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થઈ ગઈ છે.

ડિસેમ્બરમાં લગ્ન?

કહેવાય છે કે અંબાણીના ત્રણેય સંતાન – આકાશ, ઈશા અને અનંતનાં લગ્ન આ વર્ષના ડિસેમ્બરમાં એક જ દિવસે યોજાશે. અનંત અને રાધિકાની સગાઈ કરવા માટે બંનેના પરિવાર તરફથી મંજૂરી મળી ગઈ હોવાનું કહેવાય છે. સગાઈ આવતા મહિને યોજાશે.

એક ટ્વીટ પરથી જામી છે ચર્ચા

‘હિન્દુ’ અખબારના ગુજરાતસ્થિત પત્રકાર મહેશ લાંગાએ ગઈ 9 મેએ એક ટ્વીટ કર્યું હતું. એમાં તેમણે જણાવ્યું હતું કે અનંત અંબાણી અને રાધિકા મરચંટની ટૂંક સમયમાં જ સગાઈ થવાની છે. આ ટ્વીટને પગલે અંબાણી પરિવારમાં ત્રીજા સંતાનના લગ્નની તૈયારીની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]