મુકેશ-નીતાનાં પુત્રી ઈશા ઉદ્યોગપતિ આનંદ પિરામલને પરણશે

મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પત્ની નીતાની પુત્રી ઈશા અંબાણી આ વર્ષના ડિસેમ્બરમાં આનંદ પિરામલ સાથે લગ્ન કરશે. આનંદ જાણીતા ઉદ્યોગપતિ અજય પિરામલ અને સ્વાતિ પિરામલના પુત્ર છે.

ઈશા અને આકાશ અંબાણી ટ્વિન્સ ભાઈ-બહેન છે.

આનંદ અને ઈશા લાંબા સમયથી એકબીજાનાં મિત્રો છે. બંનેના પરિવાર પણ લગભગ ચારેક દાયકાથી એકબીજાના ગાઢ પરિચયમાં છે.

ઈશાનાં લગ્ન મોટે ભાગે એના જોડિયા ભાઈ આકાશ અને શ્લોકાનાં લગ્નની પહેલાં યોજાશે એવી ધારણા છે. આકાશ અને શ્લોકાની પણ સગાઈ થઈ ગઈ છે અને એ બંને જણ આ જ વર્ષમાં પરણવાનાં છે.

આનંદ પિરામલ રિયાલ્ટીના સ્થાપક છે. પિરામલ રિયાલ્ટી ભારતની અગ્રગણ્ય રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક છે. આનંદ પિરામલ ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પણ છે. એ ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેંબરની યુથ વિંગના ભૂતપૂર્વ પ્રમુખ છે.

આનંદે અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં બેચલર્સ ડિગ્રી મેળવી છે અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ડિગ્રી હાંસલ કરી છે.

ઈશા રિલાયન્સ જિઓ અને રિલાયન્સ રીટેલના બોર્ડ પર છે. એ યોલ યુનિવર્સિટીમાંથી સાઈકોલોજીમાં બેચલર્સ ડિગ્રી ધરાવે છે. આવતા જૂન મહિનામાં એ સ્ટેનફોર્ડની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસક્રમ પૂરો કરશે.

આનંદે મહાબળેશ્વરમાં એક મંદિરમાં ઈશાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. લંચ સમારંભમાં એમની સાથે એમના માતા પિતા – નીતા, મુકેશ, સ્વાતિ, અજય, ઈશાના દાદી કોકિલાબેન અંબાણી, નાની પુર્ણિમાબેન દલાલ, ઈશાના જોડિયા ભાઈ આકાશ, નાના ભાઈ અનંત, આનંદના બહેન નંદિની તથા અન્ય પરિવારજનો પણ જોડાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]