અમૃતા ફડણવીસે PM મોદીને ‘ફાધર ઓફ કન્ટ્રી’ કહ્યાં; ટીકા થઈ

મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ ફરી વિવાદમાં આવી ગયાં છે. આ વખતે એમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલી એક ટિપ્પણીને કારણે સમાચારમાં ચમકી ગયાં છે, પણ એમની એ કમેન્ટને કારણે તેઓ સોશિયલ મિડિયા પર ઘણાં ટ્રોલ થયાં છે.

ગઈ કાલે 69મા જન્મદિવસ નિમિત્તે વડા પ્રધાન મોદી પર દેશભરમાંથી તેમજ વિદેશમાંથી શુભેચ્છાનો વરસાદ વરસ્યો હતો. હજારો પ્રશંસકોએ મોદીને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

અમૃતા ફડણવીસે પણ મોદીને ટ્વીટ કરીને શુભેચ્છા આપી હતી, પણ એમાં તેમણે મોદીને ‘ફાધર ઓફ કન્ટ્રી’ તરીકે સંબોધિત કર્યાં હતાં. એમણે પીએમ મોદીને જન્મદિવસનાં વધામણાં આપીને લખ્યું હતું: ‘અમારા ફાધર ઓફ કન્ટ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામના, સમાજનાં હિત માટે કામ કરવા તમે અમને સતત પ્રેરિત કરતાં રહ્યાં છો.’ અમૃતાએ ટ્વીટની સાથે #HappyBirthdayPM અને #happybirthdaynarendramodi પણ લખ્યું હતું.

જોકે શ્રીમતી ફડણવીસ આ ટ્વીટને કારણે ઈન્ટરનેટ પર ટ્રોલ થયાં છે. એમણે મોદીને જે નામ આપ્યું છે એ ઘણાયને ગમ્યું નથી. અનેક ટ્વિટર યુઝર્સે અમૃતાને યાદ અપાવ્યું છે કે આપણા દેશના રાષ્ટ્રપિતા બીજા કોઈ નહીં, પણ મહાત્મા ગાંધી છે.

એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે, ‘પીએમ મોદી ક્યારે અને કેવી રીતે રાષ્ટ્રપિતા બની ગયા? સમાજનું શું ભલું થયું છે. બેરોજગારી તો એવી રીતે વધી રહી છે જેવી આ પહેલાં ક્યારેય વધી નહોતી. તેમજ દેશની અર્થવ્યવસ્થા મંદીના કાળમાંથી પસાર થઈ રહી છે.’

કેટલાંકે અમૃતાને એવો નિર્દેશ કર્યો છે કે મહાત્મા ગાંધીને ‘ફાધર ઓફ ધ નેશન’ કહેવામાં આવે છે.