અંબાણી પરિવારે ઈશા-આનંદનાં લગ્નની પહેલી કંકોત્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાનના ચરણમાં અર્પણ કરી

0
2090

મુંબઈ – દેશના શ્રીમંતોમાં નંબર-1 એવા મુકેશ અંબાણીના પરિવારમાં લગ્નપ્રસંગ આવી રહ્યો છે. એમની પુત્રી ઈશાનાં લગ્ન અન્ય જાણીતા ઉદ્યોગપતિ આનંદ પિરામલ સાથે નક્કી થયા છે. લગ્ન આ વર્ષે 12મી ડિસેમ્બરે મુંબઈમાં થવાના છે. અંબાણી અને પિરામલ પરિવારોએ એક નિવેદન દ્વારા લગ્નની તારીખની જાહેરાત કરી છે.

લગ્ન આવતા ડિસેમ્બરમાં યોજાય એવી ધારણા છે. જોકે લગ્નની તારીખની હજી સુધી બંને પરિવાર તરફથી હજી સુધી સત્તાવાર રીતે કરવામાં આવી નથી. તે છતાં ઈશા-આનંદનાં લગ્નની કંકોત્રી તૈયાર થઈ ગઈ છે.

મુકેશ અને નીતા અંબાણીએ પહેલી કંકોત્રી મુંબઈમાં દાદરસ્થિત સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણપતિના ચરણમાં અર્પણ કરી છે. એ માટે તેઓ ગઈ કાલે રાતે મંદિરમાં ગયા હતા. એમની સાથે મુકેશભાઈના માતા કોકિલાબેન અંબાણી અને મુકેશ-નીતાનાં નાના પુત્ર અનંત પણ હતાં.

આનંદ પિરામલ જાણીતા ઉદ્યોગપતિ અજય પિરામલના પુત્ર છે.

ઈશા અને આનંદની સગાઈનો પ્રસંગ ઈટાલીના લેક કોમો ખાતે ઉજવવામાં આવ્યો હતો.

ઈશાનાં મોટા ભાઈ આકાશ અંબાણીના પણ લગ્નનું નક્કી થઈ ગયું છે. એમની સગાઈ જાણીતા હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે કરવામાં આવી છે.