મુંબઈઃ રેલવે પ્રશાસન તરફથી લેખિત ખાતરી મળતાં રેલ-રોકો આંદોલનનો અંત

મુંબઈ – ભારતીય રેલવેમાં ભરતી થવા માટેની પરીક્ષામાં પાસ થઈ ગયેલા અને હવે ખાલી પડેલી જગ્યાઓ પર નોકરીએ રાખવાની માગણી કરતા તેમજ રેલવેમાં ભરતી માટે રાખવામાં આવેલી 20 ટકા અનામતની પ્રથાને કાયમને માટે રદ કરવાની માગણી પર જોર લગાવવા માટે 500 જેટલા અપ્રેન્ટિસ યુવક-વિદ્યાર્થીઓએ આજે સવારે લગભગ 6.30 વાગ્યાથી અહીં મધ્ય રેલવે વિભાગ પર દાદર અને માટુંગા સ્ટેશનો વચ્ચે રેલ-રોકો આંદોલન કર્યું હતું. બાદમાં રેલવે પ્રશાસન તરફથી લેખિત ખાતરી મળ્યા બાદ વિદ્યાર્થીઓએ એમનું આંદોલન લગભગ ૧૧ વાગ્યે પાછું ખેંચ્યું હતું.

વિદ્યાર્થીઓએ પાટા પર ઉતરીને ટ્રેનો અટકાવી હતી. આને કારણે સવારે ધસારાના સમયમાં મધ્ય રેલવે વિભાગ પર ટ્રેન સેવા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.

સામાન્ય રેલવે પ્રવાસીઓને આ આંદોલનને કારણે નાહકનો ત્રાસ વેઠવો પડ્યો હતો.

રેલવે પ્રશાસન તરફથી લેખિત ખાતરી મળ્યા બાદ આંદોલન સમાપ્ત

આ આંદોલનને કારણે મધ્ય રેલવે પ્રશાસનને લગભગ 30 લોકલ ટ્રેનો રદ કરવી પડી હતી. ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોનું ટાઈમટેબલ પણ ખોરવાઈ ગયું છે.

માંડવી એક્સપ્રેસ, ઉદ્યાન એક્સપ્રેસ, પુષ્પક એક્સપ્રેસ, કોયના એક્સપ્રેસ જેવી ટ્રેનો ત્રણ-ચાર કલાક મોડી પડી છે.
રેલવે પ્રશાસને ચર્ચા કરવાનું આશ્વાસન આપ્યા બાદ આંદોલનકારી વિદ્યાર્થીઓએ આંદોલન પાછું ખેંચ્યું હતું. એ પહેલાં એમણે કહ્યું હતું કે જ્યાં સુધી એમની માગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.

આંદોલનકારી વિદ્યાર્થીઓને પાટા પરથી હટાવવા માટે પોલીસે બળનો પ્રયોગ કર્યો છે. એમની પર લાઠીમાર કર્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આંદોલનકારોએ ટ્રેન પર પથ્થરમારો કરતાં એમની પર લાઠીમાર કરવાની પોલીસને ફરજ પડી હતી.

આ આંદોલનને કારણે સવારે કામ-ધંધે જવા નીકળેલા હજારો ટ્રેનપ્રવાસીઓ ખૂબ હાલાકીમાં મૂકાઈ ગયા હતા.

httpss://twitter.com/NNsonukanojia/status/975931631314882561

વિદ્યાર્થીઓના આંદોલનને કારણે સીએસએમટી સ્ટેશન તરફ જતી ટ્રેનો અટકી ગઈ હતી. એવી જ રીતે, બહારગામ જતી એક્સપ્રેસ ટ્રેનોનો વ્યવહાર પણ અટકી ગયો હતો.

વિદ્યાર્થીઓનો દાવો છે કે એમણે તેમની માગણીઓ રેલવે પ્રધાન પીયૂષ ગોયલ સમક્ષ રજૂ કરી હતી, પણ એમણે વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક વર્તાવ કર્યો હતો. એટલે વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

મધ્ય રેલવે દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનેથી કર્જત અને ખપોલી સુધીના ટ્રેન નેટવર્ક પર લોકલ ટ્રેનો દોડાવે છે.

વહેલી સવારથી માટુંગા-દાદર વચ્ચે ટ્રેન પર ઉતરી પડેલા અપ્રેન્ટિસ પ્રશિક્ષણ વિદ્યાર્થીઓમાંના એક જણે કહ્યું હતું કે અમે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રેલવે તંત્ર સમક્ષ અમારી માગણી રજૂ કરી રહ્યા હતા, પણ અમને ન્યાય મળ્યો નહોતો. છેવટે થાકીને અમે રેલ રોકો આંદોલન કર્યું. અમારા આંદોલનને કારણે મુંબઈગરાંઓને પડેલી તકલીફ બદલ અમે એમની માફી માગીએ છીએ.

વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે રેલવેમાં છેલ્લા ચાર વર્ષથી એકેય લેવલ પર નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી. 10થી વધારે વિદ્યાર્થી નોકરી ન મળવાને કારણે આત્મહત્યા પણ કરી ચૂક્યા છે. પીયૂષ ગોયલ અમને મળવાનો ઈનકાર કરતા રહ્યા હતા.

પોલીસોએ એમની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ વિદ્યાર્થીઓ આક્રમક મિજાજમાં હતા અને એમણે ટ્રેક પરથી હટી જવાનો ઈનકાર કરી દીધો હતો. પોલીસોએ બળ વાપરવાનો પ્રયાસ કરતાં વિદ્યાર્થીઓ વધારે ગુસ્સે ભરાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]