આમ આદમી પાર્ટી આ વખતે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી નહીં લડે

મુંબઈ – દિલ્હીમાં શાસન કરતી આમ આદમી પાર્ટી (AAP)એ જાહેર કર્યું છે કે તે આગામી લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં પોતાનો કોઈ ઉમેદવાર ઊભો નહીં રાખે.

અરવિંદ કેજરીવાલનાં વડપણ હેઠળની AAPનાં રાષ્ટ્રીય પ્રવક્તા પ્રીતિ શર્મા મેનને જણાવ્યું છે કે એમની પાર્ટીએ દેશના ચાર રાજ્યો – પંજાબ, દિલ્હી, હરિયાણા અને ગોવામાં લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, પણ મહારાષ્ટ્રમાં ન લડવાનું નક્કી કર્યું છે.

મેનને કહ્યું કે હાલને તબક્કે તો અમે નિર્ણય લીધો છે કે મહારાષ્ટ્રમાંથી અમારે ચૂંટણી લડવી નહીં, પરંતુ જો ભાજપને હરાવવામાં મદદરૂપ થશે એવું જો અમને જણાશે તો અમે અમુક સીટ પર ચૂંટણી લડવા વિશે ફેરવિચારણા કરીએ પણ ખરાં.

મેનને કહ્યું કે અમારી પાર્ટી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપપ્રમુખ અમિત શાહના સકંજામાંથી લોકશાહીને બચાવવા માગે છે, તેથી અમે એવી જ સીટ પર અમારી તાકાત બતાવીશું જ્યાં અમને ખાતરી છે કે અમે ભાજપને હરાવી શકીશું.

AAPના ભૂતપૂર્વ નેતા મયંક ગાંધીનું જોકે એમ કહેવું છે કે આમ આદમી પાર્ટીનો આ નિર્ણય બતાવે છે કે મહારાષ્ટ્રમાં એ મૃત્યુ પામી છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. સીટની સંખ્યાની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર બીજા નંબરે આવે છે. ઉત્તર પ્રદેશ 80 સીટ સાથે મોખરે છે.

આમ આદમી પાર્ટીએ 2014માં મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી લડી હતી, પણ એને એકેય બેઠક મળી નહોતી.