મહારાષ્ટ્રમાં ખાનગી બસ ખાઈમાં પડતાં 33નાં મરણ; 25 મૃતદેહો મળ્યા

રાયગડ (મહારાષ્ટ્ર) – પિકનિક માટે મહાબળેશ્વર નીકળેલા દાપોલી નગરની કોકણ કૃષિ વિદ્યાપીઠના કર્મચારીઓની બસ ગઈ કાલે સાતારા જિલ્લામાં આંબેનળી ઘાટ વિસ્તારમાં લગભગ 800 ફૂટ ઊંડી ખાઈમાં પડતાં 33 જણના મરણ નિપજ્યા છે. અત્યાર સુધીમાં 25 મૃતદેહો મળ્યા છે.

ઘટનાસ્થળે ટ્રેકર્સ તથા એનડીઆરએફના જવાનોએ સાથે મળીને પહાડ પર ગીચ ઝાડી-ઝાંખરામાંથી મૃતદેહો શોધી કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

દુર્ઘટનામાં, એક જણનો આબાદ રીતે બચાવ થયો છે. પ્રકાશ સાવંત-દેસાઈ નામના પ્રવાસી બસ ખાઈમાં પડવાની શરૂ થઈ ત્યારે બારીમાંથી બહાર ફેંકાઈ ગયા હતા અને તેઓ મોતથી બચી ગયા હતા.

34 બસ પ્રવાસીઓ શનિવાર-રવિવારની રજા હોઈ મહાબળેશ્વરની પિકનિક માટે મિનીબસ કરીને શનિવારે સવારે 6.30 વાગ્યે નીકળ્યા હતા. દાપોલીથી પોલાદપૂર સુધીનો પ્રવાસ બરાબર રહ્યો હતો. બસમાં સૌ મજા-મસ્તી કરતા હતા. કોઈક ગીતો ગાતા હતા. એ વખતે બસ આંબેનળી ઘાટમાં પ્રવેશી હતી. સૌ કોઈ ઘાટમાંનું કુદરતી સૌંદર્ય નિહાળવામાં મશગુલ હતા. એવામાં અચાનક બસ રસ્તા પરથી ખાઈમાં ખાબકી હતી.

દુર્ઘટનામાં બચી ગયેલા પ્રકાશ સાવંત-દેસાઈએ રસ્તા પર આવી દુર્ઘટનાની માહિતી આપી હતી. ત્યારબાદ બચાવકાર્ય શરૂ થયું હતું.

વોટ્સએપ ગ્રુપ અચાનક બ્લેન્ક થઈ ગયું

દાપોલી નગરની કોકણ કૃષિ વિદ્યાપીઠના કર્મચારીઓએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. પ્રવીણ રણદીવે કોઈક કારણસર એમના સહ-કર્મચારીઓનની સાથે મહાબળેશ્વરની પિકનિક પર જઈ શક્યા નહોતા. એને કારણે એ અપસેટ હતા. પરંતુ પિકનિકનો રોમાંચ કેવો છે એની જાણકારી માટે તે વોટ્સએપ ગ્રુપ પર એમના સાથીઓ સાથે ચેટિંગ કરતા રહીને માહિતી મેળવતા રહ્યા હતા.

પરંતુ સવારે 9.30 વાગ્યાથી એ ગ્રુપ અચાનક બ્લેન્ક થઈ ગયું હતું. ત્યાંથી કોઈ જાણકારી આવતી નહોતી કે કોઈ પ્રતિસાદ આવતો નહોતો. ત્રણેક કલાક બાદ રણદીવેને ખબર મળ્યા હતા કે એમના સાથીઓની બસ અંબેનાળી ઘાટમાં ખાઈમાં પડી ગઈ છે અને 34 જણમાંથી માત્ર એક જ જણનો બચાવ થયો છે.