મુંબઈઃ પશ્ચિમ રેલવે 1 નવેમ્બરથી નવી 10 લોકલ ટ્રેનો દોડાવશે, 122 લોકલની સેવા લંબાવી

મુંબઈ – પશ્ચિમ રેલવેનું મુંબઈ ઉપનગરીય ટ્રેનો માટેનું નવું ટાઈમટેબલ 1 નવેમ્બરથી અમલમાં આવશે.

નવા ટાઈમટેબલ અનુસાર આ વિભાગ પર નવી 10 ટ્રેનો શરૂ કરાશે અને 122 ટ્રેનોની સેવા લંબાવવામાં આવશે.

આ સાથે, મુંબઈમાં ઉપનગરીય વિભાગ પર દોડતી લોકલ ટ્રેનોની સંખ્યા 1,355થી વધીને 1,365 થશે. આમાં આ વિભાગ પર દોડાવાતી હાર્બર વિભાગની ટ્રેનોનો પણ સમાવેશ થાય છે.

ડાઉન-દિશામાં શરૂ કરાનાર 4 નવી ટ્રેનોમાંની બે ચર્ચગેટથી વિરાર સુધી ફાસ્ટ ટ્રેક પર દોડશે. એક ટ્રેન ચર્ચગેટથી દહાણુ રોડ સુધી ફાસ્ટ લોકલ હશે અને એક ટ્રેન વિરારથી દહાણુ રોડ સુધી સ્લો ટ્રેક પર દોડાવાશે.

અપ-દિશામાં નવી 6 ટ્રેન શરૂ કરાશે. આમાં બે ફાસ્ટ લોકલ વિરારથી ચર્ચગેટ વચ્ચે, બે ટ્રેન દહાણુથી વિરાર વચ્ચે સ્લો ટ્રેક પર અને બે ટ્રેન વિરારથી બોરીવલી તેમજ ભાયંદરથી અંધેરી સ્ટેશન સુધી દોડાવવામાં આવશે.

જે 122 ટ્રેનોની સેવાને લંબાવવામાં આવી છે એમાં 66 ટ્રેન ડાઉન દિશામાં અને 56 અપ દિશામાં છે.

26 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે.

એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનોને મરીન લાઈન્સ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, દહીસર, મીરા રોડ, નાયગાંવ અને નાલાસોપારા ખાતે પણ થોભાવવામાં આવશે, જેથી વધુ પ્રવાસીઓ એનો લાભ લઈ શકે.

સાંજે 6.51 વાગ્યે ચર્ચગેટથી ઉપડતી ભાયંદર લેડિઝ સ્પેશિયલ લોકલને વિરાર સુધી લંબાવવામાં આવી છે. અપ-દિશામાં, લેડિઝ સ્પેશિયલ, જે ભાયંદરથી ઉપડતી હતી તે હવે સવારે 8.44 વાગ્યે વિરારથી ઉપડશે.