સંસદમાં આજે SIR પર મહત્વપૂર્ણ ચર્ચા થશે

નવી દિલ્હી: સંસદમાં આજે મતદાર યાદીના ખાસ સઘન સંશોધન (SIR) અને વ્યાપક ચૂંટણી સુધારા પર ચર્ચા થવાની છે. સરકાર અને વિપક્ષ વચ્ચે તીવ્ર વાટાઘાટો પછી આ ચર્ચા ગોઠવાઈ છે. મંગળવારે બંને ગૃહોના ફ્લોર પર આ બાબત લાવવા માટે સર્વપક્ષીય સંમતિ બની.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવેલા સમયપત્રક મુજબ, લોકસભામાં 9 ડિસેમ્બરે ચૂંટણી સુધારા પર સંપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. જે SIR પ્રક્રિયા પર માળખાગત ચર્ચા માટે વિપક્ષની સતત માંગનો જવાબ આપશે.

વિપક્ષનો દાવો છે કે SIR પરનો વિવાદ – એક એવી કવાયત છે જેના કારણે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો મતાધિકારથી વંચિત રહી ગયા છે તેમને ન્યાય મળશે. 1 ડિસેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થયું ત્યારથી જ આ મુદ્દે ઉગ્ર ચર્ચાઓ અને વિરોધ શરૂ થયા હતા.

રાજ્યસભામાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 9 અને 10 ડિસેમ્બરે SIR પર ચર્ચા શરૂ કરશે. ચર્ચા માટે કુલ દસ કલાક ફાળવવામાં આવ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ચર્ચાનો જવાબ આપશે, જ્યારે ગૃહના નેતા જે. પી. નડ્ડા પણ ભાગ લે તેવી અપેક્ષા છે. લોકસભામાં પણ આ મુદ્દે ચર્ચા ફરી શરૂ થશે જેના માટે વિપક્ષ સત્રની શરૂઆતથી જ દબાણ કરી રહ્યું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિપક્ષનું નેતૃત્વ કરશે, જેમાં મેઘવાલ બુધવારે જવાબ આપશે.

આ ચર્ચા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ વિપક્ષી નેતાઓ દ્વારા વારંવાર વિરોધ પ્રદર્શનો બાદ થઈ રહી છે, જેમણે સંસદની અંદર અને બહાર “SIR રોકો – વોટ ચોરી બંધ કરો” લખેલા પ્લેકાર્ડ પકડીને પ્રદર્શનો કર્યા હતા.

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ X પર એક પોસ્ટ દ્વારા સમયપત્રકની પુષ્ટિ કરી છે. સાથે જ લખ્યું છે કે, વંદે માતરમની 150મી વર્ષગાંઠ અને ચૂંટણી સુધારાઓ પરની ચર્ચાઓને સર્વપક્ષીય બેઠક દરમિયાન અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.