કમલેશ તિવારી મર્ડર કેસઃ શું છે ગુજરાત કનેક્શન?

લખનઉઃ હિંદૂ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડમાં યૂપી પોલીસે 24 કલાકમાં ખુલાસો કરી દીધો છે. પોલીસે ઘટનામાં શામિલ ત્રણ લોકોની સુરતથી ધરપકડ કરી છે. તો બિજનોરથી ષડયંત્રમાં શામિલ મૌલાના અનવારુલ હક અને મૌલાના નઈમ કાસનીની ધરપકડ કરવામાં આવી છે. યૂપી ડીજીપી ઓમ પ્રકાશ સિંહે મીડિયાને માહિતી આપી કે ઘટના સ્થળથી તપાસ દરમિયાન મળી આવેલા મીઠાઈના બોક્સથી મહત્વના પુરાવા મળ્યા અને ગુજરાત પોલીસની મદદથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે કમલેશ તિવારીના પરિજનો દ્વારા નોંધાવવામાં આવેલી પ્રાથમિક ફરિયાદમાં બિજનૌરના રહેવાસી અનવારુલ હક અને નઈમ કાઝમીના નામ છે અને તેમની પણ અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે.

સુરત પોલીસે અને ATSએ 3 શખ્સની અટકાયત કરી છે. જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વળી હત્યામાં સામેલ બંને શાર્પશૂટર સુરતના હોવાનું પણ જાણવા મળે છે. અત્યારે જેમની ધરપકડ કરવામાં આવી છે. તે અમદાવાદ અને સુરતના રહેવાસી છે. લખનઉ પોલીસે આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ધરતી ફરસાણ નમની દુકાનમાં તપાસ હાથ ધરી છે. DVR કબજે લઈ તપાસ શરૂ કરી છે. જેમાં બે શકમંદની ગતિવિધિ પર પોલીસની બાજ નજર છે.

2017માં ગુજરાત ATSએ ISISના ઉબૈદ મિર્ઝા અને કાસિમની ધરપકડ કરી હતી. ગુજરાત ATS સિવાય સેન્ટ્રલ એજન્સીએ પણ આતંકવાદીઓ સાથે પૂછપરછ કરી હતી. બન્ને આતંકવાદીઓએ પૂછપરછમાં કમલેશ તિવારીનું નામ લીધું હતું. ઉબૈદ અને કાસિમને તેમના હેંડલરે વીડિયો બતાવીને કમલેશ તિવારીને મારવા માટે કહ્યું હતું. કમલેશ તિવારીની હત્યા અંગે પરિવારના સભ્યો અને સ્થાનિકોમાં ભારે નારાજગી છે. પોલીસ પોસ્ટમોર્ટમ બાદ શુક્રવારે મોડી રાત્રે કમલેશ તિવારીનો મૃતદેહ લઈને તેમના કાર્યાલય પર પહોંચી હતી. પરંતુ ત્યાં લોકોનો રોષ અને વિરોધ જોઈને પોલીસ મૃતદેહ સાથે તેમના પરત ફરી ગઈ. બાદમાં પોલીસે કમલેશ તિવારીનો મૃતદેહ લીધો હતો અને તેમના વતન સીતાપુરના મહમુદાબાદ જવા રવાના થયા હતા.

લખનઉમાં શુક્રવારે કમલેશ તિવારીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. કમલેશ તિવારી ખુર્શીદબાગમાં તેમની ઓફિસમાં હતા અને મીઠાઇના ડબ્બા લઇને 2 લોકો તેમને મળવા આવ્યા હતા. કમલેશ તિવારી જાણ ન હતી કે તેની હત્યા થઈ શકે છે. કમલેશ તિવારીને પહેલા પિસ્તોલથી ગોળી મારી હતી, ત્યાર બાદમાં ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી.

પોતાના પ્રવાસથી પરત ફર્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કમલેશ તિવારી હત્યા કેસ અંગે કડક વલણ બતાવ્યું છે. તેમણે ચીફ સેક્રેટરી અવનિશ અવસ્થી અને ડીજીપી ઓ.પી.સિંઘને તાત્કાલિક આ મામલે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે.