કિશનગંગા જળવિદ્યુત યોજના: પાકિસ્તાને વર્લ્ડ બેન્કમાં કરી ભારતની ફરિયાદ

ઈસ્લામાબાદ- પાકિસ્તાન ફરી એકવાર ભારતની ફરિયાદ કરવા વર્લ્ડ બેન્ક પહોંચ્યું છે. કારણ છે જમ્મુ-કશ્મીરમાં તૈયાર કરવામાં આવેલી કિશનગંગા જળવિદ્યુત યોજના. પાકિસ્તાને ભારતની ફરિયાદ કરતાં વર્લ્ડ બેન્કમાં કહ્યું છે કે, કિશનગંગા જળવિદ્યુત પરિયોજના પુર્ણ કરવા માટે ભારતે બન્ને દેશ વચ્ચે કરવામાં આવેલા સિંધુ નદી કરારની અવગણના કરી છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાને ભારત સાથે પાણી વિતરણ કરારને લઈને વિશ્વ બેન્કને મધ્યસ્થી બનાવી હતી.ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ બેન્ક સામે પાકિસ્તાન ભારતની જમ્મુ-કશ્મીર સ્થિત કિશનગંગા અને રાતલે જળવિદ્યુત યોજનાનો મુદ્દો અનેકવાર ઉઠાવી ચુક્યું છે. ભારત દ્વારા બનાવવામાં આવેલા કિશનગંગા, રાતલે સહિત 5 જળવિદ્યુત પ્રોજેક્ટની ડિઝાઈનને લઈને પાકિસ્તાને ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાને વર્ષ 2016માં વર્લ્ડ બેન્કમાં ભારત વિરુદ્ધ ફરિયાદ કરીને કમિટીનું ગઠન કરવાની માગ કરી હતી.

આ મામલે પાકિસ્તાન સરકાર શું પગલા લેશે તે અંગે પાકિસ્તાનના સરકારી અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાન સરકાર હાથ પર હાથ ધરીને નહીં બેસી રહે. આ મામલાનો નિષ્કર્ષ લાવવો જરુરી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની ફરિયાદ બાદ વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે, બન્ને દેશોએ પરસ્પર ચર્ચા દ્વારા આ અંગે સમાધાન લાવવું જોઈએ.