ભારતના પરમાણુ હથિયારોની સુરક્ષા ગંભીર મુદ્દો, ઈમરાન ખાનની નવી બૂમરાણ

નવી દિલ્હી- જમ્મુ-કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓને દૂર કર્યા બાદથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મુશ્કેલીમાં નજર આવી રહ્યા છે. ઈમરાન ખાને વિશ્વના અન્ય દેશોને કશ્મીર મુદ્દે દખલગીરી કરવા કહ્યું છે. હવે ઈમરાન ખાને તેમની બોખલાહટ ભારતના પરમાણુ હથિયારો વિરુદ્ધ દર્શાવી છે. ઈમરાને રવિવારે વિશ્વભરના દેશોને અપીલ કરી કે, વિશ્વને ભારતના પરમાણુ હથિયારોની સુરક્ષા અંગ ગંભીરતાથી વિચારવું જોઈએ, કારણ કે, એ ફાસીવાદી અને જાતિવાદી હિન્દૂ સુપ્રીમો મોદી સરકારના નિયંત્રણમાં છે. આ એક એવો મુદ્દો છે જે માત્ર એક ક્ષેત્રને નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે.

એક પછી એક ટ્વીટ કરીને ઈમરાનખાને મોદી સરકારની તુલના જર્મનીના નાઝી શાસન સાથે પણ કરી. જેમાં લખ્યું કે, જેવી રીતે નાઝીએ જર્મની પર કબ્જો કરી લીધો હતો એવી જ રીતે ભારત પર હવે ફાસીવાદી, જાતિવાદી હિન્દૂ વર્ચસ્વવાદીઓની વિચારધાર અને નેતૃત્વએ કબ્જો કરી દીધો છે.

ઈમરાને કહ્યું કે, બે સપ્તાહમાં ભારતના કબ્જા હેઠળના કશ્મીરમાં 90 લાખ લોકોના જીવ ખતરામાં છે. વિશ્વને આ ખતરાની ઘંટી અંગે જાણકારી મળવી જોઈએ અને સંયુક્ત રાષ્ટ્રએ તેમના નિરીક્ષકોને અહીં મોકલવા જોઈએ. આ ઉપરાંત અન્ય એક ટ્વીટમાં ઈમરાન ખાને કહ્યું કે, હિન્દૂત્વવાદી હોવાની માગ કરનારી મોદી સરકાર માત્ર પાકિસ્તાન અને ભારતમાં રહેતા અલ્પસંખ્યકો માટે જ ઘાતક નથી પરંતુ હક્કીકતમાં નેહરુ અને ગાંધીના ભારત માટે મોટા ખતરારૂપ બની ગઈ છે.

પીએમ ઈમરાને એનઆરસીનું નામ લીધા વગર કહ્યું કે, ભારતમાં ચાલીસ લાખ મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ જવાનો ખતરો છે. આના પર વિશ્વએ જોવું જોઈએ.