જૂન મહિનામાં યોજાઈ શકે છે કિમ જોંગ સાથે બેઠક: ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપતા જણાવ્યું છે કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે આગામી મે મહિનામાં યોજાનારી બેઠકની તારીખ આગળ વધારવામાં આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે જો આગામી મહિને કિમ જોંગ સાથે મુલાકાત શક્ય નહીં બને તો, જૂન મહિનાની શરુઆતમાં બન્ને નેતાઓ વચ્ચે બેઠક યોજાશે. આ બેઠકને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે આશાવાદી વલણ દર્શાવ્યું છે.મહત્વનું છે કે, ઉત્તર કોરિયા પોતાના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવા તૈયારી દર્શાવી ચુક્યું છે. ઉત્તર કોરિયાના આ નિવેદન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ સાથે મુલાકાત કરવા તૈયારી દર્શાવી છે. કેબિનેટ બેઠક પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે, શિખરવાર્તા મે અથવા જૂન મહિનામાં યોજવામાં આવશે. જોકે બેઠક ક્યાં યોજાશે તેના સ્થળ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ સ્પષ્ટતા કરી નથી.

કિમ જોંગ સાથેની મુલાકાત પહેલાં ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે, આ સંબંધ એવો સંબંધ હશે જે, વર્ષોથી ચાલી રહેલા પરંપરાગત સંબંધોથી વધુ સારા અને મજબૂત હશે. ટ્રમ્પે પહેલાની સરકારો ઉપર ઉત્તર કોરિયા સાથેના સંબંધો નહીં સુધારવાનો આરોપ પણ લગાવ્યો. ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકાના અગાઉના પ્રેસિડેન્ટ દ્વારા આ કામ થઈ જવું જોઈતું હતું. ઉલ્લેખનીય છે કે, ગત મહિને જ બન્ને નેતાઓ વચ્ચે બેઠક યોજાવા અંગે જાહેરાત કરવામાં આવી હતી. ટ્રમ્પે કહ્યું કે, કિમ જોંગ સાથેની બેઠક દુનિયા માટે ઘણી રોમાંચક હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]