ભારત માટે રશિયા આજે પણ મહત્વપૂર્ણ કેમ છે?

મોસ્કો- રશિયા ઘણા લાંબા સમયથી ભારતનું વિશ્વાસપાત્ર મિત્ર રહ્યું છે. બન્ને દેશો વચ્ચે રાજકીય, સૈન્ય, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોનો લાંબો ઈતિહાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં રશિયા પ્રવાસે છે, જ્યાં તેઓ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતીન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. આ ચર્ચા જોકે અનૌપચારિક છે તેમ છતાં વિશ્વની નજર તેના પર મંડાયેલી છે. આવો જાણીએ કે ભારત માટે રશિયાની મિત્રતા કેમ મહત્વપૂર્ણ છે?દ્વિપક્ષીય સંબંધો

ઓક્ટોબર 2000માં ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને રશિયાના પ્રેસિડેન્ટ પુતિને ‘ભારત-રુસ’ વ્યૂહાત્મક ભાગીદારી ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. સોવિયત સંઘના વિઘટન બાદ બન્ને દેશો વચ્ચે આ પ્રથમ મોટી રાજકીય પહેલ હતી.

મોસ્કોની ઈસ્લામાબાદ સાથે વધી રહેલી નિકટતા

એક તરફ નવી દિલ્હી અને અમેરિકાના સંબંધો વધુ ગાઢ બન્યા છે. બીજી તરફ રશિયાએ પાકિસ્તાન સાથે નિકટતા વધારી છે. વર્ષ 2016માં બન્ને દેશોએ પ્રથમ સંયુક્ત લશ્કરી કવાયતનો અભ્યાસ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ઉરીમાં આતંકી હુમલા બાદ ભારતે રશિયાને પાકિસ્તાન સાથેનો સૈન્યઅભ્યાસ ટાળવા વિનંતી કરી હતી પરંતુ રશિયાએ ભારતની વિનંતીને નજરઅંદાજ કરી હતી.

રશિયા અને ચીન પાકિસ્તાનના પ્રમુખ સહયોગી છે. આ સંજોગોમાં આ ક્ષેત્રમાં પ્રભાવ વધારવા માટે રશિયાએ પાકિસ્તાન સાથે નિકટતા વધારવાનો માર્ગ અપનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં રશિયા અને પાકિસ્તાને એક કરાર અંતર્ગત લાહોરથી કરાચી સુધી ગેસ પાઈપ લાઈનનું નિર્માણ કરવા અંગે પણ કરાર કર્યા હતા.

સૈન્ય ભાગીદારી

સ્ટોકહોમ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ ગત પાંચ વર્ષોમાં ભારત દ્વારા આયાત કરાયેલા હથિયારોમાં 62 ટકા હથિયાર રશિયન હાર્ડવેર આધારિત છે. આ ટકાવારી વર્ષ 2008-12 દરમિયાન 79 ટકા હતું. આ ઉપરાંત ભારતના કેટલાક શસ્ત્રો સોવિયેત અથવા રશિયન મૂળના છે અને મોસ્કો સાથે સંરક્ષણ સંબંધો જાળવી રાખવા આ સંચાલન ચાલુ રાખવું જરુરી છે.

સ્પેસ એનર્જી

ભારત અને રશિયા વચ્ચેની અંતરિક્ષ ક્ષેત્રમાં 4 દશક જૂની ભાગીદારી રહી છે. વર્ષ 2015માં ભારતના પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ને લૉન્ચ કરાયાની 40મી વર્ષગાંઠ હતી. આ ઉપગ્રહ પણ તે સમયે સોવિયત યુનિયનના લૉન્ચ વ્હિકલ સોયુઝ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો હતો. બન્ને દેશ માનવ સહિત અવકાશ વિમાન મોકલવા અંગે પણ પરસ્પર સહયોગ કરવા અંગે વિચારી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]