ઓસામા બિન લાદેનનો વારસદાર હમઝા પણ ખતમ

ભયાનક ગ્લોબલ આતંકવાદી ઓસામા બિન લાદેનને 2011માં અમેરિકાના એ વખતના પ્રમુખ બરાક ઓબામાની સરકારે ખતમ કર્યા બાદ લાદેનના પુત્ર હમઝા લાદેનને ખતમ કરી દીધો છે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે. અમેરિકી આતંકવાદ-વિરોધી દળે હાથ ધરેલા ઓપરેશનમાં હમઝા બિન લાદેન ખતમ થયો છે, જે આતંકવાદી સંગઠન અલ કાયદામાં ઘણો આગળ પડતો હતો. હમઝા એ ઓસામા બિન લાદેનના 20 સંતાનોમાં 15મા નંબરનો હતો અને એ એની ત્રીજી પત્નીથી થયો હતો.

હમઝા બિન લાદેનનો ખાતમો અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પરના વિસ્તારમાં હાથ ધરાયેલી કામગીરીમાં કરાયો હોવાનું વ્હાઈટ હાઉસના નિવેદનમાં જણાવાયું છે.

અમેરિકાએ એમ પણ કહ્યું છે કે હમઝા લાદેનના મોતને કારણે અલ કાયદામાં નેતાગીરીને મોટો ફટકો પડ્યો છે.

ગયા જુલાઈમાં અને તે અગાઉ પણ હમઝા લાદેન માર્યો ગયો હોવાના અહેવાલો આવ્યા હતા, પરંતુ અમેરિકાની સરકારે એને સમર્થન આપ્યું નહોતું કે રદિયો પણ આપ્યો નહોતો. પરંતુ આ વખતે એણે સમર્થન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઓસામા બિન લાદેને 2011ની 9 નવેંબરે અમેરિકામાં ભયાનક આતંકવાદી હુમલા કરાવ્યા હતા જેમાં 3000થી વધારે લોકો માર્યા ગયા હતા.

તે ઓસામા બિન લાદેનને 2011ના મે મહિનામાં અમેરિકાના તે વખતના પ્રમુખ બરાક ઓબામાની સરકારે પાકિસ્તાનમાં ઠાર કર્યો હતો.

ઓસામા બિન લાદેનનો ખાતમો 2 મે, 2011, પાકિસ્તાનના એબટાબાદમાં

ઓસામા બિન મોહમ્મદ બિન અવાદ બિન લાદેન ઈસ્લામિક ત્રાસવાદી સંગઠન અલ-કાયદાનો સ્થાપક વડો હતો. એ 1994 સુધી સાઉદી અરેબિયાનો નાગરિક હતો અને સંપત્તિવાન લાદેન પરિવારનો સભ્ય હતો.

ટેરર માસ્ટરમાઈંડ ઓસામા બિન લાદેન વિશ્વનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર હતો.

9/11ના હુમલાઓ કરાવ્યા બાદ લાદેન ગાયબ થઈ ગયો હતો. એ પાકિસ્તાનમાં સંતાયો હોવાની પાકી બાતમી મળતાં અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએએ એને ત્યાં શોધીને ઠાર માર્યો હતો. અમેરિકી નૌકાદળની SEAL ટૂકડીના કમાન્ડોએ 2011ની બીજી મેની વહેલી સવારે ત્રાટકીને ઓસામાને ખતમ કર્યો હતો. લાદેન ત્યારે 54 વર્ષનો હતો. લાદેનને ખતમ કરવા માટેની કામગીરીને ઓપરેશન જેરોનિમો નામ આપવામાં આવ્યું હતું. SEAL ટૂકડી ખૂંખાર ગુનેગારો પ્રત્યે ક્રૂરતાભર્યો વ્યવહાર કરવા અને બહાદુરીના કામો માટે જાણીતી છે. SEALના કમાન્ડો રોબ ઓનીલે લાદેનને માથામાં ગોળી મારીને ખતમ કર્યો હોવાનું કહેવાય છે.

સીઆઈએના અમલદારોએ મહિનાઓ સુધી ગુપ્ત રીતે દેખરેખ રાખ્યા બાદ ઓસામા લાદેન જ્યાં સંતાયો હતો તે એબટાબાદ શહેરના મકાનનો એમણે તાગ મેળવ્યો હતો. તે મકાન એબટાબાદની હદમાં આવેલા એક કમ્પાઉન્ડમાં હતું. ગુપ્તચર એજન્સી સીઆઈએએ લાદેનની ભાળ મળી હોવાનું એ વખતના પ્રમુખ ઓબામાને જણાવ્યું હતું અને ઓબામાએ હેલિકોપ્ટરમાં જઈને મકાન પર ત્રાટકી લાદેનને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો.

એ કામગીરી માટે 4 હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે એમાંનું એક હેલિકોપ્ટર કમ્પાઉન્ડમાં પ્રવેશતાં જ તૂટી પડ્યું હતું. સદ્દભાગ્યે કોઈ કમાન્ડોને ઈજા થઈ નહોતી. સમગ્ર ઓપરેશન 40-મિનિટમાં પાર પાડવામાં આવ્યું હતું.

ઓસામા બિન લાદેન મળી આવ્યો એ પહેલાં કમાન્ડોએ લાદેનના બે અંગરક્ષક, એક મહિલા અને લાદેનના એક પુત્રને ઠાર માર્યા હતા. લાદેને ભાગવાની કોશિશ કરી હતી, પણ ચીસો પાડતી એની એક પત્નીની નજર સામે એને ઠાર મારવામાં આવ્યો હતો.

હમઝા લાદેનને માથે મોટું ઈનામ હતું

હમઝા લાદેનને જીવતો પકડવા માટે અમેરિકા સરકારે ગયા ફેબ્રુઆરીમાં 10 લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. સરકારે હમઝાને ‘જિહાદના પાટવીકુંવર’ તરીકે ઓળખાવ્યો હતો, જે અલ-કાયદા સંગઠનમાં નવી શક્તિ તરીકે ઉભરી રહ્યો હતો.

એણે કેટલાક ઓડિયો અને વિડિયો મેસેજિસ રિલીઝ કર્યા હતા જેમાં એણે તેના પિતાના મોતનો બદલો લેવા માટે અમેરિકા તથા અન્ય દેશોમાં હુમલા કરવાની હાકલ કરી હતી.