તગડી રકમ ભરેલું પાકીટ મળે તો દુનિયાભરના લોકો શું કરે છે, સર્વેમાં જણાયું કે…

0
1278

નવી દિલ્હી- અર્થશાસ્ત્રીઓ દ્વારા હાલમાં જ એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, જે લોકોના વધુ રૂપિયા ધરાવતું પર્સ કે પાકીટ ખોવાઈ ગયું હોય તો તેને મળવાની સંભાવના ઓછા નાણાંવાળા પર્સથી વધુ હોય છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, જે પર્સમાં વધુ નાણાં હતાં તેવા કિસ્સામાં 51 ટકા લોકોએ તેમને પરત કરવાની કોશિશ કરી. પર્સના માલિકનો સંપર્ક કર્યો. તો બીજી તરફ પર્સમાં નાણાં ખૂબ ઓછા અથવા તો ન હોય તેવા કિસ્સામાં 40 ટકા લોકો જ તેને પરત કરવાનું વિચારે છે.

 

જ્યૂરિખ, મિશિગન અને યૂટા યૂનિવર્સિટીમાં અર્થશાસ્ત્રીઓએ 40 દેશોના 355 શહેરોમાં 17 હજારથી વધુ વિસ્તારોમાં આ પ્રયોગ કર્યો. તેમનો ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે, માણસ સ્વાભાવિક પણે બેઈમાન અને તેમનું જ કામ કરનારો છે? આ અભ્યાસને ‘સિવિલ ઓનેસ્ટી અરાઉન્ડ ધ ગ્લોબ’ નામ આપવામાં આવ્યું, જેનું પ્રકાશન 20 જૂને જર્નલ સાયન્સમાં થયું.

અભ્યાસ દરમિયાન સમગ્ર ટીમે 17,303 પર્સ કે પાકીટને અલગ અલગ જગ્યાઓ પર ફેંકી દીધા હતાં. કેટલાક પર્સમાં ઓછા તો કેટલાકમાં વધુ રૂપિયા રાખવામાં આવ્યા હતાં. સાથે જ આ પર્સોમાં કરિયાણાના સમાનનું લિસ્ટ, બિઝનેસ કાર્ડ અને ચાવી પણ રાખવામાં આવી હતી. તમામ બિઝનેસ કાર્ડ પર જે તે સ્થળની સ્થાનિક ભાષા લખવામાં આવી હતી જેથી પર્સ ઉઠાવનારને ખબર પડે કે પર્સનો માલિક કોણ છે? આ પર્સ બેંક, હોટલ, સિનેમા ઘર, મ્યૂઝિયમ, પોસ્ટ ઓફિસ અને પોલીસ સ્ટેશનની આસપાસ ફેંકવામાં આવ્યાં હતાં. હવે એ જોવાનું હતું કે, કેટલા પર્સ પરત આવે છે.

શું આવ્યું પરિણામ:

40માંથી 38 દેશોમાં એક જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો. જે પર્સમાં વધુ રૂપિયા હતા તેમને પરત મળવાની સંભાવના 51 ટકા રહી અને ઓછા રૂપિયાવાળા પર્સને મળવાની સંભાવના 40 ટકા. સ્વિટ્ઝરલેન્ડના લોકો આ મામલે સૌથી વધુ ઈમાનદાર નીકળ્યા. અહીં 75 ટકા લોકોએ ખાલી પર્સ પણ પરત કર્યા અને 80 ટકા લોકોએ રૂપિયા ભરેલા પર્સ પરત કર્યા. ત્યાર બાદ નોર્વે, નેધરલેન્ડ અને ડેનમાર્ક રહ્યાં. સૌથી ઓછા પર્સ પરત કરવાને મામલે ચીન, મોરક્કો, પેરુ, કઝાકિસ્તાન, મલેશિયા જેવા દેશો રહ્યાં. ચીનમાં માત્ર 5 ટકા લોકોએ ખાલી પર્સ પરત કર્યા અને 20 ટકા લોકોએ રૂપિયા ભરેલા પર્સને પરત કરવાનો પ્રયત્ન કર્યો.

ભારતની વાત કરીએ તો અહીં નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ, જયપુર, હૈદરાબાદ, બેંગ્લુરુ અને કોયમ્બતુરમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જેમાં જોવા મળ્યું કે, ખાલી પર્સ મળ્યાં પછી 20 ટકા લોકોએ પરત કરવા માટે તેના માલિકનો સંપર્ક કર્યો અને રૂપિયા ભરેલાં પર્સને પરત કરવા માટે 45 ટકા લોકોએ સંપર્ક કર્યો.