બધેથી ખત્તાં ખાઈ આવ્યું શાણપણ,વાતચીતના ટેબલ પર આવવા તૈયાર પાકિસ્તાન

નવી દિલ્હી- એક કહેવત છે, કહ્યાં કુંભાર ગધેડે ન ચડે, એમ અણુયુદ્ધ, મુસ્લિમ કાર્ડ, યુએન, જગત જમાદાર જેવા દેશો એમ બધે જ બૂમરાણ મચાવી ચૂકેલો પાડોશી દેશ હવે શરતી શાણપણની ભાષા ઓચરી રહ્યો છે. ભારત સાથે યુદ્ધની ધમકી આપનાર પાકિસ્તાને ફરી યુ-ટર્ન લીધો છે. કશ્મીર મુદ્દે વિશ્વના કોઈ પણ દેશે સાથ ન આપતાં હવે પાકિસ્તાન વાતચીત માટે તૈયાર થયું છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે દ્વિપક્ષીય વાતચીત માટે તૈયાર છે.

કુરેશીએ જણાવ્યું કે પાકિસ્તાને ક્યારેય ભારત સાથે વાતચીત કરવાનો ઇન્કાર નથી કર્યો. પરંતુ ભારત વાતચીતનો માહોલ ન બનાવતું હોવાનો આક્ષેપ તેમણે કર્યો. કુરેશીએ જણાવ્યું કે આ મુદ્દે પક્ષકાર તરીકે કોઇ ત્રીજો દેશ મધ્યસ્થી કરશે તો આનંદ થશે. કુરેશીએ કહ્યું કે, કશ્મીર મામલે ત્રણ પક્ષ છે, ભારત, પાકિસ્તાન અને કશ્મીર જેથી દ્વિપક્ષીય વાર્તા શરુ કરવા માટે જરૂરી છે કે, કશ્મીરના નજરકેદ કરેલા નેતાઓને ભારત મુક્ત કરે.

કુરેશીએ વાતચીત માટે એકપક્ષીય શરત રાખતા કહ્યું કે, તેમણે કશ્મીરી નેતૃત્વને મળવાની મંજૂરી આપવામાં આવે, જેથી તે એમની સાથે વાત કરી શકે અને પછી કશ્મીરી નેતૃત્વ પર વાતચીત માટે દબાણ કરી શકે.

વિદેશપ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાન સાથેની વાતચીત મુદ્દે ફરી એક વખત ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. એસ. જયશંકરે જણાવ્યું કે ભારત આતંક અને હિંસાથી મુક્ત માહોલમાં પાકિસ્તાન સાથે વિવિધ મુદ્દે વાતચીત કરવા માટે તૈયાર છે. એસ. જયશંકરે યુરોપિયન યુનિયનના કમિશન ક્રિસ્ટોસ સ્ટાયલિનાઇડસ સાથેની બેઠક દરમ્યાન આ વાત કહી. બેઠકમાં યુરોપિયન યુનિયનના નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે કાશ્મીરમાં તણાવ દૂર કરવા ફરી વાતચીત કરવા મુદ્દે ચર્ચા થઇ. બેઠકમાં બંને નેતાઓએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વિસ્તારમાં વધુ સારા વહીવટ અને વિકાસ માટે પોતાનો મત વ્યક્ત કર્યો. સાથે જ તેમણે અફઘાનિસ્તાન અને ઇરાનમાં સ્થિતિ મુદ્દે હાલના ઘટનાક્રમ અંગે પણ વાતચીત કરી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શુક્રવારે દેશને સંબોધન કરતા કહ્યું હતું કે, જો બે પરમાણુ સંચાલિત દેશો વચ્ચે યુદ્ધ થાય છે, તો સમગ્ર વિશ્વને તેનું નુકસાન ભોગવવું પડશે. તેમણે ભારતને ધમકી આપી હતી કે જો ભારતીય સૈન્ય પીઓકે પર કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરશે તો  તેમની સેના પણ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. અને ઈમરાને ટ્વિટ કરીને એમ પણ લખ્યું હતું કે, ભારત જમ્મુ-કશ્મીર પરથી આર્ટિકલ 370 હટાવવાના ફેસલા પર વિચાર કરે.