અમેરિકાના વીઝા લેવા માટે હવે આપવી પડશે સોશિયલ મીડિયાની તમામ માહિતી…

0
1489

વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ વિભાગે વીઝા નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. નવા નિયમો અનુસાર હવે અમેરિકા વીઝા પ્રાપ્ત કરવા ઈચ્છુક લોકોએ પોતાના સોશિયલ મીડિયાની પણ જાણકારી આપવી પડશે. અત્યાર સુધી આ  જરુરી નહોતું પરંતુ હવે નવા નિયમો અંતર્ગત વિઝા માટે અરજી કરનારા લોકોને પોતાના સોશિયલ મીડિયામાં પોતાનું નામ અને પાંચ વર્ષ સુધી ઈ-મેઈલ એડ્રેસ અને ફોન નંબર પણ આપવાના રહેશે.

ગત વર્ષે પણ આ પ્રસ્તાવ સામે આવ્યો હતો પરંતુ ત્યારે પ્રશાસને કહ્યું હતું કે આ પગલાથી દર વર્ષે આશરે 1.47 કરોડ લોકો પ્રભાવિત થશે. અમેરિકા જનારા લોકોને આનાથી મુશ્કેલી થશે. આ વર્ષે આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જો કે આ નવા નિયમથી કેટલાક કૂટનૈતિક અને અધિકારીક વીઝા અરજીકર્તાઓને છૂટ આપવામાં આવી છે. અમેરિકામાં અભ્યાસ અર્થે અને નોકરી કરવા માટે આવનારા લોકોને આ નવા નિયમ અંતર્ગત તમામ જાણકારી આપવાની રહેશે.

અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું કે, અમે અમેરિકામાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરતા લોકોને અહીંયા આવવા પર આવકારીએ છીએ. પોતાના નાગરિકોની સુરક્ષાને જોતા અમે સ્ક્રીનિંગ પ્રોસેસને વધારે મજબૂત બનાવી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા માત્ર તે લોકોને આ જાણકારી આપવા માટે કહેવામાં આવતું હતું કે જેઓ આતંકી સંગઠનોના પ્રભાવ વાળા ક્ષેત્રોમાંથી અમેરિકા આવવા ઈચ્છે છે.

વિદેશ વિભાગના એક અધિકારીએ કહ્યું કે અમેરિકી વીઝા માટે અરજી કરનારા લોકો જો જાણકારી આપવામાં કંઈ ગેરરિતી કરતા પકડાયા તો તેના પરિણામો ગંભીર હશે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને 2018માં સૌથી પહેલા આ પ્રસ્તાવ મૂક્યો હતો. નવા નિયમ અંતર્ગત હવે અરજીકર્તાઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની સૂચી પર પોતાનું નામ જણાવવાનું રહેશે અને તે લીસ્ટમાં જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના નામ નથી તેના પર બનેલા પોતાના અકાઉન્ટ્સની જાણકારી પણ પોતે લખીને આપવાની રહેશે.

આ વચ્ચે અમેરિકન સિવિલ લિબર્ટીઝ યૂનિયને કહ્યું છે કે અત્યાર સુધી એ વાતના સબૂત નથી મળ્યા કે સોશિયલ મીડિયાનું મોનિટરિંગ વધારે પ્રભાવી અથવા સરકારક રહ્યા હોય. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રચારમાં ટ્રમ્પે ઈમીગ્રેશનનો મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અમેરિકા પોતાના ત્યાં ગેરકાયદેસર પ્રવાસીઓને શરણ નહી આપે.