પ્રત્યાર્પણ કેસમાં બ્રિટનની કોર્ટે વિજય માલ્યાના જામીનની મુદત લંબાવી

લંડન – લિકર ઉદ્યોગના મહારથી વિજય માલ્યાને એની સામે કરવામાં આવેલા પ્રત્યાર્પણના કેસના સંબંધમાં અત્રેના વેસ્ટમિન્સ્ટર ખાતેની મેજિસ્ટ્રેટની અદાલતે જામીનની મુદત લંબાવી છે. લંડનની કોર્ટે વિજય માલ્યાને મંજૂર કરેલા જામીનની મુદત 12 સપ્ટેંબર સુધી લંબાવી છે અને સાથોસાથ ભારત સરકારને કહ્યું છે કે ‘તમે માલ્યાને પ્રત્યાર્પણ બાદ જ્યાં રાખવા માગો છો એ મુંબઈની આર્થર રોડ જેલનો વીડિયો મોકલો.’ કારણ કે, માલ્યાએ કોર્ટને કહ્યું છે કે ભારતમાં જેલોની સ્થિતિ બહુ ખરાબ હોય છે. કેદીની કોટડીમાં કુદરતી પ્રકાશ પણ આવતો નથી.

કોર્ટે કહ્યું છે કે માલ્યા સામેના આરોપો સાવ ખોટા છે.

માલ્યા આજે કોર્ટમાં એના પુત્ર સિદ્ધાર્થની સાથે હાજર હતો. આજે કેસમાં દલીલબાજી માટેનો આખરી દિવસ હતો.
કોર્ટે કેસમાં હવે પછીની સુનાવણી માટે 12 સપ્ટેંબરની તારીખ નક્કી કરી છે.

કિંગફિશર એરલાઈન્સના ભૂતપૂર્વ વડા અને 62 વર્ષનો માલ્યા રૂ. 9000 કરોડની રકમની છેતરપીંડી અને મની લોન્ડરિંગના આરોપો માટે ભારતમાં વોન્ટેડ છે. એ ગયા વર્ષના એપ્રિલમાં ધરપકડ કરાઈ ત્યારથી એક્સ્ટ્રાડિશન વોરન્ટ પર જામીન પર છે.

આ કેસમાં સુનાવણી શરૂ થઈ એ પહેલાથી માલ્યાએ એવો દાવો કર્યો હતો કે પોતે આ કેસમાં નિર્દોષ છે. ‘મેં મની લોન્ડરિંગ કર્યું હોવાના કે નાણાંની ચોરી કરી હોવાના આરોપો સાવ ખોટા છે. આખરે કોર્ટ નક્કી કરશે,’ એમ માલ્યાએ કોર્ટની બહાર પત્રકારોને કહ્યું હતું.