NASA નો દાવોઃ ત્રણ અબજ વર્ષ પહેલા શુક્ર પર શક્ય હતું જીવન…

નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ત્રણ અબજ વર્ષ પહેલા શુક્ર ગ્રહ પર પણ પાણી હતું, પરંતુ 700 મિલિયન એટલે કે 70 કરોડ વર્ષ પહેલા બ્રહ્માંડમાં થયેલા બદલાવોના કારણે આ ગ્રહના 80 ટકા ક્ષેત્રનું નિર્માણ ફરીથી થયું. નાસાના એક અધ્યયનમાં આ વાત સામે આવી છે. શોધકર્તાઓએ કહ્યું કે અધ્યયન શુક્ર ગ્રહના જળવાયુ ઈતિહાસનો એક નવો દ્રષ્ટીકોણ આપે છે અને આશાઓ વ્યક્ત કરે છે કે, શુક્ર જેવા એક્સોપ્લેનેટ્સમાં જીવનની શક્યતાઓ હોઈ શકે છે.

ચાલીસ વર્ષ પહેલા નાસાના વીનસ મિશનના અધ્યયનમાં એ સામે આવ્યું હતું કે પૃથ્વીની નજીકના ગ્રહમાં મહાસાગરનું પાણી હોઈ શકે છે. શું શુક્રનું જળવાયું એવું છે કે ત્યાં ક્યારેક પાણી હોઈ શકે છે? એ જાણવા માટે અમેરિકામાં નાસા ગોડાર્ડ ઈન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝના શોધકર્તાઓએ સિમ્યુલેશન દ્વારા પાણીના વિભિન્ન સ્તરોની એક શ્રૃંખલા બનાવી, જેને પાંચ ભાગોમાં વહેંચવામાં આવી.

તમામ પાંચ પરિદ્રશ્યોમાં તેમણે જાણ્યું કે આશરે ત્રણ અબજ વર્ષ સુધી શુક્ર ગ્રહ મેક્સિમમ 50 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 20 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પોતાના તાપમાનને સ્થિર બનાવી રાખવામાં સક્ષમ હતું. રિસર્ચર્સનું કહેવું છે કે આનો મતલબ છે કે ભૂતકાળમાં ક્યારેક શુક્ર પણ જીવન માટે ઉપયોગી રહ્યો હશે, પરંતુ આજે પણ અહીંયા સમશીતોષ્ણ જળવાયુને બનાવી રાખી શકાય છે.

જીઆઈએસએસના રિસર્ચર્સ માઈકલ વે એ કહ્યું કે, અમારું અનુમાન છે કે અબજો વર્ષો સુધી શુક્રમાં એક સ્થિર જળવાયું રહ્યું હશે. એ સંભવ છે કે લાખો વર્ષ પહેલા બ્રહ્માંડમાં થયેલી ઉથલ-પાથલના કારણે આ ગ્રહનું જળવાયું ગરમ થઈ ગયું હશે. અધ્યયનમાં રિસર્ચર્સે જાણ્યું કે પાંચમાંથી ત્રણ પરિદ્રશ્યોમાં શુક્ર ગ્રહની સ્થળાકૃતિ બીલકુલ એવી જ મળી આવી છે કે જેવી આજે આ ગ્રહની આકૃતિ છે.

વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આમાં 310 મીટરની ઉંડાઈ પર મહાસાગર, 10 મીટરની ઉંડાઈ પર પાણીની પરત અને સપાટી પરની માટીમાં કેટલીક માત્રામાં પાણી હોઈ શકે છે. રિસર્ચર્સે પોતાના પરિણામોની તુલના પૃથ્વીની સ્થળાકૃતિ અને તેના મહાસાગરોની સ્થિતી સાથે પણ કરી. શુક્ર સૌર મંડળનો બીજો સૌથી નજીકનો ગ્રહ છે. જો કે ઘણા શોધકર્તાઓનું માનવું છે કે સૂર્ય પાસે હોવાના કારણે અહીંયા રહેવાની શક્યતાઓ ખૂબ ઓછી છે.

જીઆઈએસએસના માઈકલ વે એ કહ્યું કે, શુક્ર ગ્રહમાં પૃથ્વીની તુલનામાં સૌર વિકિરણ પહેલાથી બેગણું છે. છતા અધ્યયનથી ખ્યાલ આવે છે કે શુક્રની સપાટી પર પાણી હોવાની શક્યતાઓ છે. તેમણે કહ્યું કે આશરે 420 કરોડ વર્ષ પહેલા જ્યારે ગ્રહનું નિર્માણ થયું તો, તે સમયે શુક્ર પણ ગરમ હતો, પરંતુ તે તેજીથી ઠંડો બની ગયો અને તેના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ હાવી થઈ ગયો હતો. જો શુક્રને પણ ઠંડો થવામાં પૃથ્વી જેટલો જ સમય લાગતો તો શક્ય છે કે આ ગ્રહનો કાર્બન ડાયોક્સાઈડ સિલિકેટ ખડકો દ્વારા ખેંચી લેવામાં આવતો અને આજે ત્યાં જીવન શક્ય હોત.