ઈરાનથી ક્રૂડની ખરીદી નહીં કરી શકે ભારત સહિતના દેશોઃ જગત જમાદાર અમેરિકા

વોશિંગ્ટન: ભારત હવે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી નહીં કરી શકે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પાસેથી ઓઈલ ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેથી હવે ભારત સહિત કેટલાક દેશો ઈરાન પાસેથી આવતા મહિનાથી ક્રૂડની આયાત નહીં કરી શકે. વ્હાઈટ હાઉસે સોમવારે રાતે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. અમેરિકાના આ નિર્ણયની ભારત પર ગંભીર અસર પડશે. ભારતની તેમની કુલ જરુરિયાતના 80 ટકાથી વધુ ક્રૂડની આયાત કરે છે.

વ્હાઈટ હાઉસે સોમવારે કહ્યું કે, ઈરાનથી ક્રૂડની આયાત બંધ થવાના કિસ્સામાં અમેરિકા, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)એ વૈશ્વિક માગને પહોંચી વળવા સમય પર યોગ્ય પગલાં લેવા તૈયાર છે. વધુમાં કહ્યું કે, ઈરાનની વિનાશક ગતિવિધિઓને કારણે મધ્ય પૂર્વની સુરક્ષા માટે ઉભા થતાં ખતરાને ખત્મ કરવા માટે ટ્રમ્પ સરકાર પ્રતિબદ્ધ છે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે વોશિગ્ટનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનાની શરુઆતમાં સમાપ્ત થઈ રહેલી છૂટને આગળ નહીં વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો ઉદેશ્ય ઈરાનની ઓઈલ નિકાસ શૂન્ય પર લાવવાનો છે. ક્રૂડ ઓઈલ ઈરાન સરકારની આવકનો પ્રમુખ સ્ત્રોત છે. અમેરિકાએ નક્કી કર્યું છે કે હવે એક પણ દેશ ઈરાન પાસેથી ઓઈલ ખરીદી નહીં શકે. 2જી મેથી આ પ્રતિબંધ લાગુ પડશે.

થોડા મહિના પહેલાં ભારત, ચીન, જાપાન સહિતના અમુક દેશોની પેટ્રોલિયમની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ઈરાન સાથે ઓઈલનો વેપાર કરવાની છૂટ આપી હતી. જોકે, ઈરાન પાસેથી પેટ્રોલિયમની ખરીદી ઉપર પ્રતિબંધ મૂકાતા હવે ભારત, ચીન, જાપાન, ઈટાલી, ગ્રીસ, તૂર્કી, સાઉથ કોરિયા, તાઈવાને ઈરાન સાથે કરેલા ઓઈલ ખરીદીના સોદા પણ રદ કરવા પડશે.

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે જ્યાં સુધી ઈરાનના નેતાઓનું વર્તન બદલાશે નહીં, ત્યાં સુધી અમેરિકા ઓઈલની ખરીદી ઉપર પ્રતિબંધ ચાલુ રાખશે. ઈરાન ઉપર દબાણ મુકવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે અને જ્યાં સુધીમાં એમાં સફળતા નહીં મળે ત્યાં સુધી એક પણ દેશને ઈરાન પાસેથી ઓઈલની ખરીદીની છૂટ મળશે નહીં.

ટ્રમ્પે આપ્યો ભરોસો, સાઉદી અરબ કરશે ભરપાઈ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા અને સહયોગી દેશ સાઉદી અરબ ક્રૂડનો પુરવઠો પૂરો પાડવામાં મદદ કરશે. તેમણે ઈરાનથી ઓઈલની નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય લીધા બાદ ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું કે, ઈરાન પર હવે અમારા પૂર્ણ પ્રતિબંધ બાદ સાઉદી અરબ અને ઓપેક રાષ્ટ્રો ક્રૂડ ઓઈલના પુરવઠામાં કોઈ પણ પ્રકારના ઘટાડાની ભરપાઈ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]