કિમ જોંગ સાથેની મુલાકાત ફોટા પડાવવા પુરતી મર્યાદિત નથી: ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ વચ્ચે આગામી સપ્તાહમાં સિંગાપુરમાં ઐતિહાસિક મુલાકાત યોજાશે. આ ઐતિહાસિક બેઠક પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, કિમ જોંગ ઉન સાથે તેમની મુલાકાતની તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 12 જૂનના રોજ સિંગાપુરમાં કિમ જોંગ સાથે યોજાનારી મુલાકત માત્ર ફોટા પડાવવા પુરતી મર્યાદિત નથી, પરંતુ આ મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે.

સિંગાપુરમાં આગામી મંગળવારે યોજાનારી ઐતિહાસિક સમિટ માટે પ્રવાસી ટાપુ સેન્ટોસાના એક વિશેષ સ્થળને પસંદ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ મુલાકાતના કવરેજ માટે વિશ્વભરના 2500થી વધુ પત્રકારો આવશે. જોકે, શરુઆતમાં એ અંગે અનિશ્ચિતતા હતી કે મંત્રણાનું આયોજન ક્યાં કરવું?

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું કે, ‘હું માનું છું કે હું આ મુલાકાત માટે સંપૂર્ણપણે તૈયાર છું. મને નથી લાગતું કે મારે વધારે કોઈ તૈયારીની જરુર. હું લાંબા સમયથી આ સંવાદ માટે તૈયાર છું’.

વધુમાં ટ્રમ્પે કિમ જોંગના સંદર્ભમાં જણાવ્યું કે, સામે પક્ષેથી પણ જણાવવામાં આવી રહ્યું છે કે, તેઓ પણ મુલાકાત માટે ઘણા સમયથી તૈયાર છે. તેથી હવે વિશેષ કોઈ તૈયારીનો પ્રશ્ન જ નથી. પરંતુ પ્રશ્ન એ છે કે, મુલાકાત કેટલી સકારાત્મક રહેશે.