ઈમરાનને આંચકોઃ ટ્રમ્પ સરકારે 30 કરોડ ડોલરની લશ્કરી સહાય રદ કરી

વોશિંગ્ટન – ઈમરાન ખાન હજી તો વડા પ્રધાન તરીકેની ખુરશી પર માંડ બેઠા છે ત્યાં અમેરિકાએ એમને જોરદાર આંચકો આપ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પાકિસ્તાન માટેની 30 કરોડ ડોલરની મિલિટરી સહાય રદ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે એણે એવું કારણ આપ્યું છે કે પાકિસ્તાન સરકાર ત્રાસવાદી સંગઠનો વિરુદ્ધ નિર્ણાયક પગલાં લેવામાં નિષ્ફળ ગઈ છે.

ટ્રમ્પની સરકારે દક્ષિણ એશિયા વિસ્તાર માટે એક નવી નીતિ અખત્યાર કરી છે જેમાં હક્કાની નેટવર્ક તથા લશ્કર-એ-તૈબા જેવા ત્રાસવાદી સંગઠનો વિરુદ્ધ નિર્ણાયક પગલાં લેવાનું નક્કી કરાયું છે. આ જાહેરાત અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય પેન્ટેગોન તરફથી કરવામાં આવી છે.

અમેરિકાના આ નિર્ણયને કારણે એની અને પાકિસ્તાન વચ્ચે બગડેલા સંબંધોને વધારે ફટકો પડશે.

આ જાહેરાત અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓની પાકિસ્તાન મુલાકાતના અમુક દિવસો પૂર્વે જ કરવામાં આવી છે. પોમ્પીઓ ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનને મળવાના છે.

અમેરિકા તથા અન્ય દેશોની લાંબા સમયથી ફરિયાદ રહી છે કે પાકિસ્તાન ત્રાસવાદી નેટવર્ક્સને મદદ કરે છે અને એમની વિધ્વંસક પ્રવૃત્તિઓ ચલાવવા માટે સલામતી પૂરી પાડે છે.

પેન્ટેગોનના આ પગલાંને જોકે અમેરિકી કોંગ્રેસ (સંસદ)ની મંજૂરીની આવશ્યક્તા રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]