અમેરિકાએ પેસિફિક કમાન્ડનું નામ બદલી હિન્દ-પેસિફિક કર્યું, કહ્યું ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ

વોશિંગ્ટન- અમેરિકન સૈન્યએ તેના પેસિફિક કમાન્ડનું નામ બદલીને હિન્દ-પેસિફિક કમાન્ડ કર્યું છે. આ અંગેની જાહેરાત અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટીસે કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારત સાથે અમેરિકાના સંબંધો મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની પેસિફિક કમાન્ડ વિશ્વની સૌથી મોટી લશ્કરી કમાન્ડ પૈકી એક છે. જેમાં આશરે 3.75 લાખ સૈનિકો અને અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકાની તમામ લશ્કરી પ્રવૃત્તિઓની જવાબદારી આ કમાન્ડની છે.જેમ્સ મેટિસે એક સૈન્ય સમારોહમાં જણાવ્યું કે, ‘પ્રશાંત અને હિન્દ મહાસાગરના સાથીઓ અને સહકર્મીઓ સાથેના સંબંધો ખૂબ મહત્વપૂર્ણ છે. જેથી પ્રશાંત અને હિન્દ મહાસાગર વચ્ચેના વધતા સંપર્કને ધ્યાનમાં રાખીને અમે અમેરિકન પેસિફિક કમાન્ડનું નામ બદલીએ છીએ અને અમેરિકી હિન્દ-પેસિફિક કરીએ છીએ’.

વર્ષ 2016માં ભારત અને અમેરિકાએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. જે અંતર્ગત બન્ને દેશ મરમ્મત અને સપ્લાય માટે એક-બીજાના જમીન, હવા અને નૌકાદળના બેઝનો ઉપયોગ કરી શકે છે. માનવામાં આવે છે કે, આ પ્રદેશમાં ચીનના વધી રહેલા પ્રભાવને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તાજેતરના સમયમાં ચીને શ્રીલંકા નજીક એક પોર્ટ બનાવવાનું કામ શરુ કર્યું છે. જેનાથી હિન્દ મહાસાગર ક્ષેત્રને લઈને ભારત અને અમેરિકા બન્નેની ચિંતામાં વધારો થયો છે. જેથી બન્ને દેશ રક્ષાસંબંધો મજબૂત કરી ચીન ઉપર દબાણ લાવવા પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા લાંબા સમયથી ભારતનું એક મહત્વપૂર્ણ સંરક્ષણ ભાગીદાર રહ્યું છે. ઉપરાંત અમેરિકા ભારતનું બીજું સૌથી મોટું હથિયાર સપ્લાયર પણ છે. ગત એક દાયકામાં બન્ને દેશો વચ્ચેની ડિફેન્સ ડીલ 15 અબજ ડોલર જેટલી થવા જાય છે.

ભારતના રશિયા સાથે પણ સંરક્ષણ ક્ષેત્રે સારા સંબંધો છે. જો કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગત વર્ષે એ કાયદા પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે, જેમાં રશિયા સાથે ડિફેન્સ ડીલ કરનારા દેશોને અમેરિકા તરફથી પ્રતિબંધની ચેતવણી આપવામાં આવી છે. પરંતુ જેમ્સ મેટીસ ભારત માટે આ કાયદામાંથી છૂટ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]