અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારના બે બનાવમાં 30નાં મરણ

વોશિંગ્ટન – અમેરિકામાં શનિવારે બે અલગ અલગ સ્થળે ગોળીબારના ભીષણ બનાવોમાં કુલ 30 જણનાં જાન ગયા છે. ગોળીબારની પહેલી ઘટના ટેક્સાસ રાજ્યમાં શનિવારે સવારે 10 વાગ્યે બની હતી. અલ પેસો શહેરમાં એક વોલમાર્ટ સ્ટોરમાં એક શખ્સે બેફામ ગોળીબાર કરતાં 20 જણનાં જાન ગયા હતા.

બીજો બનાવ શનિવારે મધરાત બાદ એક વાગ્યાના સુમારે ઓહાયો રાજ્યમાં ડેટન સિટીમાં નેડ પેપર્સ બારની બહાર બન્યો હતો. એમાં એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરીને 9 જણને મારી નાખ્યા હતા. બાદમાં પોલીસે હુમલાખોરને ઠાર કર્યો હતો.

ડેટન શહેરના ઓરેગોન વિસ્તારમાં આવેલા નેડ પેપર્સ બારની બહાર ગોળીબારની ઘટના બની ત્યારે પોલીસો નજીકમાં જ હતા એટલે એમણે હુમલાખોરને પડકાર્યો હતો અને એને ત્યાં ઢાળી દીધો હતો.

હુમલાખોરની ઓળખ તત્કાળ જાણવા મળી નહોતી.

ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને બનાવમાં તપાસ હાથ ધરી છે.

નેડ પેપર્સ બારે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર જણાવ્યું હતું કે એનો સ્ટાફ સુરક્ષિત છે.

બનાવમાં એકેય પોલીસને ઈજા થઈ નથી.

ઘટનામાં 16 જેટલા લોકો ઘાયલ થયા હતા.

વોલમાર્ટ સ્ટોરમાં ગોળીબાર

ટેક્સાસ રાજ્યના અલ પેસો શહેરમાં શનિવારે સવારે વોલમાર્ટ સ્ટોરમાં હત્યાકાંડ થયો હતો. પોલીસે 21 વર્ષના એક યુવકને કસ્ટડીમાં લીધો છે. એણે જ 20 જણને ઠાર માર્યા હોવાનું મનાય છે. આ સ્થળ અમેરિકા-મેક્સિકો સરહદની નજીક આવેલું છે.

સીસીટીવી ઈમેજીસ પરથી માલૂમ પડ્યું હતું કે ડાર્ક ટી-શર્ટ અને ઈયર પ્રોટેક્ટર્સમાં સજ્જ થયેલો માણસ હાથમાં એસોલ્ટ રાઈફલ સાથે અંદર ઘૂસ્યો હતો. એ વખતે સ્ટોરમાં ઘણી ભીડ હતી.

હુમલામાં બીજા અનેક જણ ઘાયલ પણ થયા છે.