પ્રશાંત ક્ષેત્રમાં આગેકૂચ માટે ભારતને મદદ કરશે અમેરિકી સરકાર

નવી દિલ્હી- પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં સંયુક્ત હિતો અને પ્રમુખ શક્તિ સ્વરૂપે ભારત ઉભરી રહ્યું છે, તેમાં અમેરિકા સહયોગ કરવા માટે તૈયાર છે. ભારતના ટોચના રાજદૂત તરીકે અમેરિકામાં પોતાની પહેલી યાત્રા દરમિયાન વિદેશ સચિવ વિજય ગોખલેએ બુધવારે અમેરિકાના વિદેશ મંત્રાલયના મુખ્યાલય ફોગી બોટમમાં રાજનૈતિક મામલાઓના સહાલયક વિદેશપ્રધાન થોમસ શૈનન સાથે મુલાકાત કરી હતી.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર સૈન્ય સહકાર, ભારત પ્રશાંત ક્ષેત્રમાં સંયુક્ત હિતો અને એક પ્રમુખ શક્તિ તેમજ સુરક્ષા પ્રદાતાના રૂપમાં ભારતની આગેકૂચમાં અમેરિકી સહયોગ પર ચર્ચા કરવામાં આવી.

ગોખલેની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય બંન્ને દેશો વચ્ચે પહેલી ટૂ પ્લસ ટૂ વાતચીત માટે ગ્રાઉન્ડ તૈયાર કરવાનું હતું. બંન્ને પક્ષોના કોઈપણ અધિકારીએ અત્યાર સુધી આવા સંવાદો માટે કોઈપણ તારીખની જાહેરાત કરી નથી.

જો કે આ પહેલા આ મધ્ય એપ્રિલ સુધી પૂર્ણ થાય તેવી શક્યતાઓ હતી. ગત વર્ષે વડાપ્રધાન મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં થયેલી સફળ મુલાકાતમાં ટૂ પ્લસ ટૂ વાતચીત શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ વાતચીતમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, રક્ષાપ્રધાન નિર્મલા સીતારામન તેમજ તેમના અમેરિકી સમકક્ષો ઉપસ્થિત રહેશે.