પાકિસ્તાનના ત્રણ આતંકીઓ પર અમેરિકાએ રાખ્યું 71 કરોડનું ઈનામ

વોશિંગ્ટન- પાકિસ્તાનના ત્રણ મોસ્ટ વેન્ટેડ આતંકીઓ પર અમેરિકાએ 110 લાખ ડોલર એટલેકે લગભગ 71.6 કરોડ રુપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અમેરિકાના એક રાજ્ય વિભાગે આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાનના પાકિસ્તાનના પ્રમુખ મૌલાના ફઝલુલ્લાહની માહિતી આપનારને અથવા તેની ઓળખ કરનારને 50 લાખ ડોલરના (32.5 કરોડ રુપિયા) ઈનામની જાહેરાત કરી છે.આ ઉપરાંત અમેરિકાએ આતંકી સંગઠન જમાત-ઉલ-અહરારના અતંકી અબ્દુલ વલી અને લશ્કર-એ-ઈસ્લામના આતંકી મંગલબાગની માહિતી આપનારાને 30 લાખ ડોલરના (આશરે 20 કરોડ રુપિયા) ઈનામની જાહેરાત કરી છે. પાકિસ્તાની આતંકીઓને લઈને ઈનામની જાહેરાત એવા સમયમાં કરવામાં આવી છે, જ્યારે પાકિસ્તાનના વિદેશ સચિવ તહમીના જંજુઆ અમેરિકાના પ્રવાસે છે.

આતંકી ફઝલુલ્લાહ પાકિસ્તાનના પ્રતિબંધિત આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાનના પાકિસ્તાનનો પ્રમુખ છે. TTPને વર્ષ 2010ના સપ્ટેમ્બર મહિનામાં વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. અને તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફઝલુલ્લાહ અત્યાર સુધીમાં આતંકી હુમલાની અનેક ઘટનાઓને અંજામ આપી ચુક્યો છે. મલલા યૂસુફઝઈ ઉપર પણ ફઝલુલ્લાહે જ હુમલો કરાવ્યો હતો.

નવેમ્બર 2013માં આતંકી ફઝલુલ્લાહને આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાનનો નેતા ચૂંટવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, તહરીક-એ-તાલિબાન એજ આતંકી સંગઠન છે જેણે પાકિસ્તાનમાં પેશાવરની આર્મી પબ્લિક સ્કૂલ પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલામાં 134 બાળકો સહિત 151 લોકોના મોત થયાં હતાં.